<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કોલકાતામાં મની લોન્ડરિંગના ખેલનો પર્દાફાશ: ED નો મોટો દરોડો; TMC સાથે જોડાયેલા ૪૪૦ કરોડ રૂપિયાના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ

એવિએશન કંપની સાથેના શંકાસ્પદ આર્થિક વ્યવહારોની તપાસ તેજ; પાર્ટીના નામે ખરીદાયેલા એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની પણ ED દ્વારા તપાસ શરૂ

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકીય ગલિયારાઓમાં આજે એક મોટા આર્થિક કૌભાંડના આક્ષેપોને લઈને હડકંપ મચી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોલકાતામાં હાથ ધરવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) સાથે જોડાયેલા ત્રણ HDFC બેંક ખાતાઓમાં રહેલા આશરે ૪૪૦.૪૨ કરોડ રૂપિયાના જંગી બેલેન્સને ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી બિધાનનગર સાયબર પોલીસ દ્વારા નોંધાયેલી એક FIR ના આધારે 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ કરવામાં આવી છે, જેણે હવે રાજકીય જગતમાં ભારે ચર્ચાઓ જગાવી છે.

ED ની તપાસમાં સામે આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૬ ના ગાળા દરમિયાન આ બેંક ખાતાઓમાંથી આશરે ૧૬૦ કરોડ રૂપિયા 'કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એજન્સીનો ગંભીર આરોપ છે કે આ રકમનો ઉપયોગ એમ્બ્રેર લેગસી ૬૦૦ એરક્રાફ્ટ અને અગસ્તા ૧૦૯ ગ્રાન્ડ ન્યૂ હેલિકોપ્ટરની ખરીદી માટે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ હેલિકોપ્ટરની ખરીદી માટે કેમેન આઇલેન્ડ સ્થિત એક એન્ટિટી પાસેથી ૧.૭ મિલિયન ડોલરની અસુરક્ષિત લોન પણ લેવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

એરક્રાફ્ટના લીઝના નામે શંકાસ્પદ વ્યવહારો

ED ના દાવા મુજબ, આ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પાર્ટીના ભંડોળનો ઉપયોગ કરીને ખરીદવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેને ફરીથી AITC ને જ પાછા લીઝ પર આપી દેવામાં આવ્યા હતા. આ રીતે વિમાન અને હેલિકોપ્ટરના ઉપયોગના નામે બાદમાં મોટી ચૂકવણી પણ કરવામાં આવી હતી, જેને એજન્સીએ અત્યંત "શંકાસ્પદ" ગણાવી છે. હાલમાં તપાસકર્તાઓ એ વાતની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે આ વ્યવહારો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો અને શું તેમાં ગુનાહિત રીતે મેળવેલી કાળી નાણાંની રકમ સામેલ છે કે કેમ.

આ કેસની ગંભીરતાને જોતા ED દ્વારા કોલકાતા અને તેની આસપાસના પાંચ જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ સમગ્ર મામલે તૃણમૂલ કોંગ્રેસ તરફથી હાલ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આ ઘટનાક્રમ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો ચોક્કસપણે વધી ગયો છે.

(7:24 PM IST)