તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ન્યાયની મજાક કે પૈસાનો દબદબો? પુણે પોર્શ કાંડના આરોપીની જામીન બાદની ઉજવણીનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ફાટી નીકળ્યો રોષ
અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિતોના પરિવારો ન્યાયની રાહમાં, જ્યારે આરોપી પરિવાર નોટોની માળા પહેરીને કરી રહ્યો છે ડાન્સ; સોશિયલ મીડિયા પર ઉઠ્યા તીવ્ર સવાલો

પુણે | તા. 27: પુણેના ચર્ચિત પોર્શ કાર અકસ્માત કેસમાં કાયદાકીય પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જે કેસમાં બે નિર્દોષ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તે કેસના મુખ્ય આરોપી વિશાલ અગ્રવાલને જામીન મળ્યા બાદનો એક વીડિયો સામે આવતા દેશભરમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ વીડિયોમાં વિશાલ અગ્રવાલ અને તેની પત્ની ખૂબ જ આનંદમાં બોલિવૂડ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. એટલું જ નહીં, આ દંપતીએ તો ગળામાં ઊંચા મૂલ્યની ચલણી નોટોની માળા પણ પહેરી હતી, જે પીડિત પરિવારો માટે ઘા પર મીઠું ભભરાવવા સમાન છે.
પીડિત પરિવારોની વ્યથા: "શું ન્યાય માત્ર સામાન્ય લોકો માટે છે?"
અકસ્માતને બે વર્ષ વીતી ગયા હોવા છતાં, પીડિત અશ્વિની કોષ્ટા અને અનિશ અવધિયાના પરિવારો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અશ્વિનીની માતા મમતા કોષ્ટાએ વ્યથા ઠાલવતા કહ્યું કે, "મારી પુત્રીની હત્યા કરનારા રાક્ષસો આજે આઝાદ ફરી રહ્યા છે. કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ કડક લાગે છે, જ્યારે પ્રભાવશાળી લોકો સરળતાથી સજાથી બચી નીકળે છે." તેમણે ફાસ્ટ-ટ્રેક સુનાવણીની માંગ કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પ્રગતિ ન થતા સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
વીડિયોએ સળગાવ્યા સવાલો:
અનિશની માતા સવિતા અવધિયાએ પણ સિસ્ટમની ખામીઓ પર આંગળી ચીંધી છે. તેમણે આક્ષેપ કર્યો કે અગ્રવાલ પરિવારે પોતાના પ્રભાવ અને પૈસાના જોરે આ કેસને પ્રભાવિત કર્યો છે. "જેલના સળિયા પાછળ ગયેલા દરેક વ્યક્તિને એક પછી એક જામીન મળી રહ્યા છે, જે દર્શાવે છે કે ન્યાયતંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક છીંડા છે," તેમ તેમણે ઉમેર્યું. તેમણે સખત માંગ કરી છે કે સગીર બાળકોને બેફામ કાર ચલાવવા દેતા વાલીઓ માટે કડક કાયદો બનાવવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ માતા-પિતા પોતાના સંતાનને આવી છૂટ ન આપે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા જગાવી છે. નાગરિકો પૂછી રહ્યા છે કે શું પૈસાના જોરે ન્યાયને ખરીદી શકાય છે? જ્યારે અકસ્માતનો ભોગ બનેલા પરિવારો આંસુ સારતા હોય, ત્યારે આરોપી પરિવારનો આ ઉજવણીનો વીડિયો કાયદાની મર્યાદાઓ અને સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકે છે. પુણેના આ કેસમાં હવે જનતાની માંગ છે કે પીડિત પરિવારોને તાત્કાલિક ન્યાય મળે અને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી થાય.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
