<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન :7 રાજ્યોમાં હિટવેવની સ્થિતિ યથાવત : મધ્યપ્રદેશમાં વીજળી પડતા 4 લોકોના મોત

કેટલાક રાજ્યોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વરસાદી માહોલ :ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી

દેશભરમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

 

એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ દેશના 7 રાજ્યોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. મધ્ય પ્રદેશ, બિહાર અને હરિયાણા સહિતના રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે.

 

મધ્ય પ્રદેશમાં વરસાદ દરમિયાન વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદ અને ગાજવીજને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ખરાબ હવામાન દરમિયાન સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

 

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર અસર પડી હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

(12:59 PM IST)