<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

૫ વર્ષની સૌથી ધીમી સફર કાપીને આખરે ચોમાસું સમગ્ર ભારતમાં છવાયું: અલ નીનોના જોખમ વચ્ચે પીએમઓ એક્શનમાં, ૩૭૫ જિલ્લાઓ પર લટકતી તલવાર!

કેરળથી નીકળ્યાના ૩૫ દિવસ બાદ મેઘરાજાએ આખા દેશને ઘેરી લીધો: જુલાઈના ધમાકેદાર વરસાદથી ખાધ ઘટીને ૧૫% થઈ, છતાં ઓછા વરસાદની આશંકાએ તંત્ર એલર્ટ

નવી દિલ્હી, તા.૦૯: દેશભરના ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના અને ચિંતાના મિશ્ર સમાચાર આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષની સૌથી આળસુ અને ધીમી ગતિએ આગળ વધ્યા પછી, આખરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુરુવારે સમગ્ર ભારતીય ઉપખંડને આવરી લીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ, કેરળના દરિયાકાંઠે ટકોરા માર્યાના પૂરા ૩૫ દિવસ બાદ ચોમાસાએ દેશના ખૂણે-ખૂણે પોતાની હાજરી નોંધાવી છે. અગાઉ વર્ષ ૨૦૨૧માં ચોમાસાને સમગ્ર દેશમાં પહોંચતા ૪૦ દિવસ જેટલો લાંબો સમય લાગ્યો હતો.
આ વર્ષે મેઘરાજાની એન્ટ્રી થોડી મોડી અને નબળી રહી હતી. સામાન્ય તારીખ કરતાં ૩ દિવસ મોડું એટલે કે ૪ જૂને કેરળ પહોંચ્યા બાદ ચોમાસાની રફતાર એકદમ સુસ્ત પડી ગઈ હતી. જૂન મહિનાના અંત સુધીમાં દેશમાં વરસાદની સંચિત ખાધ (અછત) વધીને ચિંતાજનક સ્તરે એટલે કે ૩૦% સુધી પહોંચી ગઈ હતી. જોકે, જુલાઈ મહિનો શરૂ થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પશ્ચિમ અને મધ્ય ભારતમાં પડેલા મુશળધાર વરસાદને કારણે માત્ર ૮ દિવસમાં જ આ ખાધ ઘટીને અડધી એટલે કે ૧૫% પર આવી ગઈ છે. આ સુધારાથી પાછળ ચાલી રહેલી ખરીફ પાકની વાવણીને મોટું બળ મળવાની આશા છે, કારણ કે ૫ જુલાઈ સુધી દેશમાં વાવણી ૨૨% જેટલી પછાત હતી.
અલ નીનોનું ગ્રહણ અને સરકારી એક્શન:
ભલે જુલાઈમાં સારો વરસાદ થયો હોય, પરંતુ હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરની આખી સીઝન માટે સામાન્ય કરતાં ઓછા (સરેરાશના આશરે ૯૦%) વરસાદની આશંકા વ્યક્ત કરી છે. 'અલ નીનો'ની સંભવિત ખતરનાક અસરને જોતાં વડાપ્રધાન કાર્યાલય (PMO) અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. તાજેતરમાં જ પીએમઓ દ્વારા કૃષિ, વીજળી, ગ્રામીણ વિકાસ અને આર્થિક બાબતોના મંત્રાલયો સાથે એક હાઈ-લેવલ રિવ્યૂ મીટિંગ યોજવામાં આવી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ પ્રભાવિત થઈ શકે તેવા રાજ્યો અને વિસ્તારો માટે લોકલ પ્લાનિંગ તૈયાર કરવાના આદેશ અપાયા છે. કૃષિ મંત્રાલયે દેશના એવા ૩૭૫ જિલ્લાઓની યાદી તૈયાર કરી છે જે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી શકે છે. આ પૈકી ૧૧૧ જિલ્લાઓને તો "અત્યંત સંવેદનશીલ" (Highly Vulnerable) જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર હાલમાં માત્ર આકાશ તરફ જ નહીં, પરંતુ જળાશયોના પાણીના સ્તર, પાકની લાઈવ સ્થિતિ અને વરસાદની પેટર્ન પર ૨૪ કલાક સેટેલાઈટ દ્વારા નજર રાખી રહી છે જેથી કોઈપણ કટોકટી સમયે તુરંત જ મદદ પહોંચાડી શકાય.

(4:36 PM IST)