News of Sunday, 3rd May 2026
ટેક્સ રિટર્ન અને કમ્પ્લાયન્સ માટે મે મહિનો અત્યંત મહત્વનો : કરદાતાઓએ દંડથી બચવા આ તારીખો ખાસ નોંધી લેવી પડશે : જાણો કઈ-કઈ તારીખો છે મહત્વની
TDS/TCS પેમેન્ટ, ક્વોર્ટરલી ફાઇલિંગ અને પાન કાર્ડ માટેની અરજી સહિતના ટેક્સને લગતા કામો માટે મે મહિનાની ડેડલાઈન જાહેર : સમયસર પાલન નહીં કરનારને આકરા દંડની જોગવાઈ

નવી દિલ્હી:નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ મે ૨૦૨૬નો મહિનો કરદાતાઓ માટે અનેક મહત્વપૂર્ણ ટેક્સ ડેડલાઈન લઈને આવ્યો છે. આવકવેરા વિભાગના નિયમો મુજબ, TDS પેમેન્ટ, ત્રિમાસિક ફાઇલિંગ અને સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (SFT) જેવી અનેક વિગતો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવી અનિવાર્ય છે. આ સમયસીમા ચૂકી જવાથી કરદાતાઓએ પેનલ્ટી અથવા વધારાના વ્યાજ જેવી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
૭ મે: TDS/TCS જમા કરાવવાની અંતિમ તારીખ
મે મહિનાની પ્રથમ મહત્વની સમયમર્યાદા ૭ મે છે. કરદાતાઓએ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન કાપવામાં આવેલ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) અને એકત્રિત કરાયેલ TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) સરકારી તિજોરીમાં જમા કરાવવો પડશે. સરકારી કચેરીઓ કે જે ચલણ વગર પેમેન્ટ કરે છે, તેમણે તે જ દિવસે કેન્દ્ર સરકારના ખાતામાં ટેક્સ જમા કરાવવો જરૂરી છે. આ ઉપરાંત, આવકવેરા કાયદાની કલમ ૩૯૪(૨) હેઠળની જાહેરાતો પણ આ તારીખ સુધીમાં સબમિટ કરવાની રહેશે.
૧૫ મે: TDS સર્ટિફિકેટ અને ત્રિમાસિક સ્ટેટમેન્ટ
૧૫ મે સુધીમાં માર્ચ ૨૦૨૬માં કપાયેલા TDS માટેના સર્ટિફિકેટ ઈશ્યુ કરવાના રહેશે. જેમાં ખાસ કરીને સ્થાવર મિલકતની ખરીદી (કલમ ૧૯૪-IA), ૫૦ હજારથી વધુ ભાડું ચૂકવતા વ્યક્તિઓ (કલમ ૧૯૪-IB) અને કોન્ટ્રાક્ટરોને ૫૦ લાખથી વધુનું પેમેન્ટ કરનારાઓ (કલમ ૧૯૪M) માટે આ ડેડલાઈન લાગુ પડે છે. વધુમાં, ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટેનું TCS સ્ટેટમેન્ટ પણ આ તારીખ સુધીમાં ફાઇલ કરવું પડશે. સ્ટોક એક્સચેન્જોએ પણ એપ્રિલ મહિના માટે ક્લાયન્ટ કોડ ફેરફારના રિપોર્ટ આપવા પડશે.
૩૦ મે: વાર્ષિક નિવેદનો અને TCS સર્ટિફિકેટ
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ક્વાર્ટર માટેના TCS સર્ટિફિકેટ ઈશ્યુ કરવાની અંતિમ તારીખ ૩૦ મે છે. આ ઉપરાંત, જે વ્યક્તિઓ સિનેમેટોગ્રાફ ફિલ્મ્સના પ્રોડક્શન અથવા નિર્ધારિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, તેમણે કલમ ૨૮૫B હેઠળ ગત નાણાકીય વર્ષના વાર્ષિક સ્ટેટમેન્ટ સબમિટ કરવાના રહેશે.
૩૧ મે: સૌથી વ્યસ્ત અને મહત્વનો દિવસ
મહિનાનો છેલ્લો દિવસ એટલે કે ૩૧ મે ટેક્સ કમ્પ્લાયન્સ માટે સૌથી મહત્વનો છે. આ દિવસે નીચે મુજબની કામગીરી પૂર્ણ કરવાની રહેશે:
૩૧ માર્ચના રોજ પૂરા થતા ક્વાર્ટર માટેનું TDS રિટર્ન ફાઇલ કરવું.
નાણાકીય સંસ્થાઓએ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટેના રિપોર્ટેબલ એકાઉન્ટ્સ (ફોર્મ ૬૧B) ફાઇલ કરવા.
નિર્ધારિત સંસ્થાઓએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના નાણાકીય વ્યવહારોનું નિવેદન (ફોર્મ ૬૧A) સબમિટ કરવું.
જે વ્યક્તિઓની આવક મુક્તિ મર્યાદાથી વધુ છે પરંતુ તેમની પાસે PAN કાર્ડ નથી, તેમણે પાન માટે અરજી કરવી પડશે. આમાં ટ્રસ્ટીઓ, ભાગીદારો અને ડિરેક્ટરોનો પણ સમાવેશ થાય છે.
સખાવતી સંસ્થાઓએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મળેલા દાનની વિગતો ફોર્મ ૧૦BD માં આપીને ડોનરોને ફોર્મ ૧૦BE સર્ટિફિકેટ ઈશ્યુ કરવાના રહેશે.
કરદાતાઓને છેલ્લી ઘડીની દોડધામ અને માનસિક તણાવથી બચવા માટે સમયસર ટેક્સ પ્લાનિંગ અને દસ્તાવેજોની પૂર્તતા કરી લેવા સલાહ આપવામાં આવે છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
