તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
મુંબઈમાં ‘મોન્ટી બાબા’ના પાખંડનો પર્દાફાશ: જીમ ટ્રેનરમાંથી બનેલા અઘોરીએ અનેકને છેતર્યા, કાળા જાદુના નામે બકરીના લીવર અને દારૂની માંગ કરતો!
દૈવી શક્તિના બહાને ભયનું સામ્રાજ્ય: દિંડોશી પોલીસે કાળા કપડા અને સ્મશાનની રાખ સાથે તાંત્રિકને દબોચ્યો, પિડિતોને જાનથી મારી નાખવાની ધમકી આપી લાખો પડાવ્યા

મુંબઈ: મુંબઈના ઉપનગર દિંડોશીમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ખતરનાક ખેલનો પર્દાફાશ થયો છે. જીમમાં બોડી બનાવનારા ટ્રેનરમાંથી રાતોરાત ‘ગોડમેન’ બની ગયેલા એક શખ્સે અનેક મુંબઈગરાઓના ભોળપણનો ફાયદો ઉઠાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. દિંડોશી પોલીસે આ 37 વર્ષીય પાખંડી રિધમ અશોક પંચાલ ઉર્ફે મોન્ટીની ધરપકડ કરીને તેના જૂઠાણાના જાળાને તોડી પાડ્યું છે.
અઘોરી વિધિના નામે ‘દારૂ-સિગારેટ’ની પાર્ટી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પંચાલ પોતાની પાસે અદ્ભુત દૈવી શક્તિઓ હોવાનો દાવો કરતો હતો. વ્યક્તિગત કે વ્યાવસાયિક સમસ્યાઓના ઉકેલ માટે તેની પાસે આવતા લોકોને તે ડરાવી દેતો હતો. વિધિના નામે તે ભક્તો પાસેથી દારૂ, સિગારેટ, બકરીનું લીવર (કલેજી), લીંબુ અને સ્મશાનની રાખ જેવી વિચિત્ર વસ્તુઓ મંગાવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, વિધિ દરમિયાન તે પોતે દારૂ અને સિગારેટ પીતો અને ત્યારબાદ ભક્તોને બાકીનો સામાન કાળા-લાલ કપડામાં બાંધીને ચાર રસ્તા પર ફેંકી દેવાનું કહેતો હતો.
વિરોધ કરનારને ‘મૃત્યુ’નો ડર બતાવતો
જો કોઈ ભક્ત આ અંધશ્રદ્ધાનો વિરોધ કરવાનો પ્રયાસ કરે અથવા પૂછપરછ કરે, તો મોન્ટી બાબા તેને ગંભીર પરિણામોની ધમકી આપતો હતો. તે દાવો કરતો હતો કે જો તેની સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો ભક્ત કે તેના પરિવારનો જીવ જોખમમાં આવી શકે છે. આ ભયના ઓથાર હેઠળ લોકો ચૂપચાપ તેના અત્યાચારો સહન કરતા હતા અને નાણાં આપતા હતા.
જીમ ટ્રેનરમાંથી ઠગ બાબા સુધીની સફર
પંચાલ અગાઉ એક પ્રોફેશનલ જીમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. પરંતુ ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવવાની લાલચે તેણે તાજેતરમાં નોકરી છોડી દીધી હતી અને આ ‘અઘોરી’ ઠગાઈનો ધંધો શરૂ કર્યો હતો. એક પિડિતની હિંમતને કારણે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BJS) તેમજ મહારાષ્ટ્ર માનવ બલિદાન અને કાળો જાદુ પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
દિંડોશી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ પાખંડીએ કુલ કેટલા લોકો પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ લેભાગુ તત્વોની વાતમાં આવીને પોતાની મહેનતની કમાણી અને માનસિક શાંતિ ગુમાવવી નહીં.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
