<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

કેપ્‍ટન સ્‍મિતને ‘‘હનુમંત કૃપા'' પ્રસાદ રૂપે ૨૧ લાખ અર્પણ કરતા પૂ.મોરારીબાપુ

ભારતનાં આ સપૂતે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે : ફરી એકવાર પૂ.મોરારીબાપુએ કેપ્‍ટન સ્‍મિતના આ ‘‘હનુમંત કાર્ય''ને હૃદયપૂર્વક બિરદાવ્‍યું

રાજકોટ તા.૫   સમગ્ર વિશ્વમાં જેમની શૌર્ય ગાથા ગવાઈ રહી છે તેવા કેપ્‍ટન સ્‍મિતના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ભારતનાં આ સપૂતે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. પળનાં પણ વિલંબ વિના હિંમતપૂર્વક જેણે ૧૮૦ મુસાફરોના જીવ બચાવ્‍યો હતો તેવા યુવાન કેપ્‍ટન સ્‍મિતને પૂ મોરારીબાપુએ ધન્‍યવાદ આપ્‍યા હતા. કેપ્‍ટન સ્‍મિતના આ અદભૂત કાર્યને વધુ કઈ રીતે બિરદાવી શકાય તેવો શુભ વિચાર પૂ.મોરારીબાપુને આવ્‍યો હતો.પૂ.મોરારીબાપુને આ સમયે કોઈ અવિવેક પણ ન થાય તેવો સહજ સંકોચ પણ થતો હતો. મળતી માહિતી મુજબ દંતાલી આશ્રમના પૂ સચ્‍ચિદાનંદજી તરફથી રુપિયા ૨૫ લાખની સન્‍માન રાશિ જાહેર થઈ હતી. એ ઉપરાંત ગુજરાત સરકારે પણ ગૌરવ પુરસ્‍કારમાં રુપિયા ૨૫ લાખ, એક ફાર્માસ્‍યુટિકલ કંપનીએ  ૧ કરોડની રાશિ જાહેર કરી છે. 

પૂ.મોરારીબાપુએ  શ્રી હનુમંત ક્રૃપા પ્રસાદરુપે રુપિયા ૨૧ લાખ જાંબાઝ કેપ્‍ટન સ્‍મિતને અર્પણ કર્યા છે. ફરી એકવાર પૂ.મોરારીબાપુએ કેપ્‍ટન સ્‍મિતના આ ‘‘હનુમંત કાર્ય''ને હૃદયપૂર્વક બિરદાવ્‍યું છે અને તેમનાં પરિવારજનોને પણ શુભેચ્‍છાઓ પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવ્‍યું છે.

(11:25 AM IST)