<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

કેન્‍યામાં ૧૬ દીકરીઓના મૃત્‍યુ થતા પરિવારજનોને પૂ.મોરારીબાપુએ હનુમંત સંવેદના રૂપે ૨.૪૦ લાખની સહાય

કિલ્લારી લાતુરમાં રામકથા દરમિયાન મળ્‍યા સમાચારઃ પ્રત્‍યેક પરિવારને રૂ. ૧૫ હજારની સહાય, દિવંગત આત્‍માઓના નિર્વાણ માટે હનુમાનજીને પ્રાર્થના

રાજકોટ, તા.૨૯: કેન્‍યાના નકુરુ શહેર ખાતે આવેલ કન્‍યા છાત્રાલયમાં મધ્‍યરાત્રિએ લાગેલી ભીષણ આગ દુર્ઘટનામાં ૧૬ આશાસ્‍પદ છાત્રાઓએ પ્રાણ ગુમાવ્‍યા છે. આ દુઃખદ સમાચાર મળતાં જ પૂજ્‍ય મોરારિબાપુએ ઊંડા શોક સાથે દિવંગત દીકરીઓને શ્રદ્ધાંજલિ અર્પી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નકુરુ સ્‍થિત કન્‍યા છાત્રાલયમાં રહીને અનેક વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરે છે. મધ્‍યરાત્રિએ અચાનક લાગેલી આગમાં ૧૬ દીકરીઓના કરુણ મોત નિપજ્‍યા છે.પૂ. મોરારીબાપુની રામકથા હાલ કિલ્લારી, લાતુરમાં ચાલી રહી છે. ત્‍યાં તેમને આ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા હતા. પૂ.મોરારીબાપુ તરફથી હનુમંત સંવેદના રૂપે પ્રત્‍યેક દીકરીના પરિવારજનોને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૨,૪૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. આ સહાય રાશિ નાઈરોબી સ્‍થિત રામકથાના શ્રોતા દ્વારા સ્‍થાનિક ચલણમાં પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે. પૂજ્‍ય બાપુએ તમામ દિવંગત દીકરીઓના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને શોકાતુર પરિવારને સાંત્‍વના પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે

(12:02 PM IST)