તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
કોલકાતા - ગ્વાલિયર સહિતની દુર્ઘટનાઓમાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ: પરિવારો માટે ₹6 લાખની સહાય જાહેર
વિવિધ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને આર્થિક સહાય; કોલકાતાના મૃતકોના પરિવારોને ₹2.85 લાખ, ગ્વાલિયરના પરિવારોને ₹1.95 લાખ અને ગુજરાતની બોઈલર દુર્ઘટનાના પીડિત પરિવારોને ₹1.20 લાખની સહાય.

મુંબઈ: દેશનાં વિવિધ રાજ્યોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને મોરારિબાપુએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સહાયરૂપ થવા માટે કુલ ₹6 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતાના સહયોગથી આ સહાય મુખ્યમંત્રી રાહત ફંડ સુધી પહોંચાડવામાં આવી છે.
કોલકાતાની ભાગદોડમાં મૃતકોના પરિવારોને ₹2.85 લાખની સહાય
કોલકાતામાં દુર્ગાપૂજા નિમિત્તે એકત્ર થયેલા લોકો વચ્ચે ભાગદોડ મચતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં 19 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ, દરેક મૃતકના પરિવારને ₹15,000 લેખે કુલ ₹2.85 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.
ગ્વાલિયર દુર્ઘટનાના પીડિત પરિવારોને ₹1.95 લાખ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતાના મંદિરની બહાર દર્શન માટે એકત્ર થયેલા લોકો પર ટ્રક ફરી વળતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 13 લોકોનાં મોત થયાં હોવાની માહિતી આપવામાં આવી છે. મૃતકોના પરિવારોને સહાયરૂપ થવા માટે મોરારિબાપુ દ્વારા દરેક પરિવારને ₹15,000 લેખે કુલ ₹1.95 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.
ગુજરાતની બોઈલર દુર્ઘટનાઓમાં મૃતકોના પરિવારોને સહાય
ગુજરાતમાં પણ બોઈલર ફાટવાની બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં આઠ કામદારોએ જીવ ગુમાવ્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં પણ બોઈલર ફાટવાની ઘટનામાં ચાર કામદારોનાં મોત થયાં હતાં.
આ બંને દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મોરારિબાપુએ સંવેદના વ્યક્ત કરી હતી અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમના પરિવારજનોને કુલ ₹1.20 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કુલ ₹6 લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં
કોલકાતા, ગ્વાલિયર અને ગુજરાતની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સહાયરૂપ થવા માટે કુલ ₹6 લાખની રકમ ફાળવવામાં આવી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ પહેલ દ્વારા દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને મુશ્કેલીના સમયમાં તેમને આર્થિક સહારો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
