<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ફ્રાન્સમાં કાળઝાળ ગરમીના કારણે ૧,૦૦૦થી વધુ લોકોના મોત: તાપમાન ૪૫ ડિગ્રીને પાર

પેરિસ સહિતના વિસ્તારોમાં હીટવેવનું રેડ એલર્ટ: વૃદ્ધો આ અસહ્ય ગરમીનો સૌથી વધુ ભોગ બન્યા હોવાનો હેલ્થ એજન્સીનો ચોંકાવનારો ખુલાસો

પેરિસ: પશ્ચિમ યુરોપમાં ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનનો મિજાજ અત્યંત ભયાનક બની રહ્યો છે. ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી રેકોર્ડબ્રેક અને કાળઝાળ ગરમીના કારણે ૧,૦૦૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલ સામે આવ્યા છે. ફ્રેન્ચ આરોગ્ય અધિકારીઓએ રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ, તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને વટાવી જતાં સામાન્ય દિવસોની સરખામણીએ મૃત્યુઆંકમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. 'પબ્લિક હેલ્થ ફ્રાન્સ' એજન્સીએ જણાવ્યું કે, ૨૪ જૂનથી શરૂ થયેલા આ વિનાશક હીટવેવના કારણે પેરિસ સહિતના મુખ્ય શહેરો ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સરકારે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે.

આ આકાશી આફતમાં સૌથી વધુ લાચાર વૃદ્ધો સાબિત થયા છે, કારણ કે કુલ મૃત્યુઆંકના લગભગ ૮૫% લોકો ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા. આરોગ્ય એજન્સીના રિપોર્ટ અનુસાર, હોસ્પિટલો કરતાં પણ વધુ લોકોના મોત તેમના પોતાના ઘરોમાં જ થયા છે. ફ્રાન્સના ઇલે-દ-ફ્રાન્સ પ્રદેશ, જેમાં રાજધાની પેરિસ અને તેની આસપાસના ગીચ શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં ઉચ્ચ કોંક્રિટના બાંધકામોને કારણે રાત્રિના સમયે પણ ગરમી ઓછી થતી નથી. આ ગંભીર પરિસ્થિતિએ શહેરી વિસ્તારોમાં એકલા રહેતા અને ભારે એકલતા અનુભવતા વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક એકતા અને સરકારી સહાયક પગલાં તાત્કાલિક વધારવાની જરૂરિયાત ઊભી કરી છે.

જોકે, ઘણા દિવસો સુધી ૪૦ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસની ઉપર તાપમાન રહ્યા બાદ, રવિવારે સમગ્ર ફ્રાન્સમાં પારો થોડો નીચે ઉતરતા લોકોને આ આકરી ગરમીમાંથી મામૂલી રાહત મળી છે. પરંતુ વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે આ આંકડા હજુ પ્રારંભિક છે અને વાસ્તવિક મૃત્યુઆંક આનાથી ઘણો વધારે હોઈ શકે છે. આ આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ) ની અસરોથી સ્પષ્ટ થાય છે કે હવે માત્ર વિકાસશીલ દેશો જ નહીં, પરંતુ યુરોપ જેવા આધુનિક અને સુવિકસિત દેશોની મેડિકલ સિસ્ટમ પણ પ્રકૃતિના આ પ્રકોપ સામે ઘૂંટણ ટેકવા મજબૂર બની છે.

(4:27 PM IST)