તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 140થી વધુ સાંસદોની અટકાયત :આકાશવાણી ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા
INDIA ગઠબંધનના નેતાઓએ વોટ ચોરીના આક્ષેપો સાથે સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી: 5 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ વોટ ચોરીના આરોપ સાથે વિરોધ પ્રદર્શિત કરનાર નેતાઓને કસ્ટડીમાં લેવાયા

નવી દિલ્હી :ચૂંટણી પંચ સામે સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી રહેલા INDIA ગઠબંધનના નેતાઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરી લીધી છે.
આકાશવાણી ભવન બહાર લગભગ 5 કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને જોરદાર હોબાળા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, અભિષેક બેનર્જી, ચરણજીત સિંહ ચન્ની, દીપેન્દ્ર હુડ્ડા અને પવન ખેડા સહિત વિપક્ષના તમામ મોટા નેતાઓને કસ્ટડીમાં લઈ લીધા છે. 140થી વધુ સાંસદોની આ વિરોધ માર્ચ દરમિયાન સ્થિતિ વણસતાં સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.
ચૂંટણી પંચ તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને પોલીસે આકાશવાણી ભવનના ગેટ પર જ રોકી દીધા હતા. આ પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ ચૂંટણી પંચથી આશરે 200 મીટર દૂર રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા
રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ‘અમે માત્ર ચૂંટણી પંચને મળીને એ કહેવા માંગીએ છીએ કે તમે વોટ ચોરી કરી છે. સાંસદો ચૂંટણી કમિશનરને મળશે અને તેમણે મળવું જ પડશે. દેશના અવાજનું અપમાન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મળવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં.’ જોકે, લાંબા હોબાળા બાદ આખરે પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરી લીધી હતી.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
