તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 22nd May 2026
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર દેશભરમાંથી ૨ લાખથી વધુ વનવાસીઓ એકત્રિત થઈને રચશે નવો ઈતિહાસ : જનજાતિ સમાજના હક્કોના રક્ષણ માટે ડી લિસ્ટિંગ કાયદો બનાવવાની માંગ : સાથે ભવ્ય સાંસ્કૃતિક સમાગમ સર્જાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી : છત્તીસગઢના ગણેશરામ ભગત કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળશે અને પાંચ રૂટ પરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા

નવી દિલ્હી:
ભારત દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ સમુદાયના અંદાજે ૨ લાખથી વધુ લોકો આગામી ૨૪ મે ૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૦૬ કલાકે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેદાન ખાતે એકત્રિત થઈને નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. ભારતભરમાંથી વસતા જનજાતિ કલ્યાણના એટલે કે વનવાસી લોકો પોતાના હક્કોના રક્ષણ માટે અને ડી લિસ્ટિંગ અંગેનો કાયદો બનાવવાની પ્રબળ માંગ સાથે આ ભવ્ય મહોત્સવમાં જોડાશે. જનજાતિ સુરક્ષા મંચ અને જનજાતિ જાગૃતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 'જનજાતિ સાંસ્કૃતિક સમાગમ' નો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાઓની રક્ષા કરવાનો તેમજ સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો છે. ભગવાન બિરસા મુંડાની પ્રેરણાથી આયોજિત આ મહાસભા પૂર્વે ભારતની વિભિન્ન જનજાતિઓના પ્રતિનિધિઓ દ્વારા પરંપરાગત વેશભૂષા અને વાદ્યયંત્રો સાથે પાંચ અલગ અલગ માર્ગો પરથી એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.
આ ગરિમાપૂર્ણ રાષ્ટ્રીય આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જનજાતિ સુરક્ષા મંચ જશપુર, છત્તીસગઢના રાષ્ટ્રીય સંયોજક ગણેશરામ ભગત ઉપસ્થિત રહેશે અને સમગ્ર મહોત્સવની અધ્યક્ષતા સંભાળશે.
આ પ્રસંગે વિશિષ્ટ અતિથિઓ તરીકે દેશના વિવિધ રાજ્યોમાંથી આદિવાસી સંસ્કૃતિ અને સુરક્ષા સાથે જોડાયેલા અગ્રણી મહાનુભાવો હાજરી આપશે. જેમાં ઝારખંડથી જનજાતિ સુરક્ષા મંચના રાષ્ટ્રીય સહ સંયોજક ડૉ રાજકિશોર હાંસદા, જશપુરથી અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ સત્યેન્દ્ર સિંહ ખરવાર, મધ્યપ્રદેશથી જનજાતિ સુરક્ષા મંચના પૂર્વ સંયોજક હર્ષ ચૌહાણ, છત્તીસગઢના બસ્તર વિસ્તારના જનજાતિ સુરક્ષા મંચના સદસ્ય શ્રીમતી બુધરી તાતી, અરુણાચલ પ્રદેશથી અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ઉપાધ્યક્ષ તેચી ગુવિન તેમજ તેલંગાણાથી અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ઉપાધ્યક્ષ હીરા કુમાર નાગૂ સામેલ થશે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે આયોજક સમિતિ અને નિવેદકો દ્વારા વ્યાપક અને સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં જનજાતિ સુરક્ષા મંચ દિલ્હીના સંયોજક અશોક કુમાર ગોંડ, સ્વાગત સમિતિના અધ્યક્ષ મહેશ માગચંદકા અને જનજાતિ જાગૃતિ સમિતિ દિલ્હીના ઉપાધ્યક્ષ પ્રકાશ ઉઈકે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ તમામ નિવેદકો દ્વારા જાહેર જનતાને આ ભવ્ય દેશભક્તિ અને સાંસ્કૃતિક મહોત્સવમાં બહોળી સંખ્યામાં સહભાગી થવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
