<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ફ્રાન્સમાં કાળઝાળ ગરમીના કારણે ૨૦ હજારથી વધુ લોકોના મોત : યુરોપમાં હીટવેવ બની સદીની સૌથી વિનાશક આબોહવાકીય આપત્તિ

જૂન અને જુલાઈ વચ્ચે બે જ અઠવાડિયામાં સામાન્ય કરતા ૩૬% વધુ મૃત્યુ નોંધાયા : ૭૫ વર્ષથી વધુ વયના વડીલો સૌથી વધુ ભોગ બન્યા : પેરિસ રીજનમાં ૨ હજારથી વધુ મોતોથી સ્મશાન અને હોસ્પિટલો પર અભૂતપૂર્વ દબાણ

પેરિસ: યુરોપમાં આ ઉનાળે પડેલી ભીષણ અને અતિશય ગરમીએ સર્જેલી તબાહીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ મુજબ, ફ્રાન્સમાં તાજેતરમાં જ અનુભવાયેલા કાળઝાળ હીટવેવના કારણે ૨૦,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેણે યુરોપમાં ગરમીના કારણે સર્જાતા માનવ સંકટની ગંભીરતા છતી કરી છે. અગાઉ જાહેર કરાયેલા પ્રાથમિક અંદાજ કરતાં આ સુધારેલો આંકડો ઘણો મોટો અને ભયાનક ચિત્ર રજૂ કરે છે.

 

 બે સપ્તાહમાં જ ૫,૭૬૪ વધારાના (એક્સેસ) મૃત્યુ નોંધાયા:

ફ્રાન્સની પબ્લિક હેલ્થ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં એકત્ર કરાયેલા મૃત્યુદરના આંકડા અનુસાર, ૧૭ જૂનથી ૨ જુલાઈ વચ્ચેના માત્ર બે જ અઠવાડિયામાં સમગ્ર દેશમાં તાપમાનનો પારો ગગનભેંબી ઊંચાઈએ પહોંચી ગયો હતો. આ બે સપ્તાહના સમયગાળા દરમિયાન દેશમાં કુલ ૨૧,૬૭૪ લોકોના મોત થયા હતા, જ્યારે સામાન્ય રીતે વર્ષના આ સમયગાળા દરમિયાન ૧૫,૯૧૦ મૃત્યુની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. આ રીતે સામાન્ય કરતાં ૩૬% નો જંગી વધારો જોવા મળ્યો છે અને આ બે સપ્તાહમાં ૫,૭૬૪ વધારાના (એક્સેસ) મોતો નોંધાયા છે. મૃત્યુના આ ભયાનક આંકડાને કારણે ફ્રાન્સના સ્મશાનગૃહ અને અંતિમ સંસ્કારની સેવાઓ પર અભૂતપૂર્વ દબાણ સર્જાયું હતું.

 

 ૭૫ વર્ષથી વધુ વયના વૃદ્ધો પર સૌથી વધુ અસર:

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્રાન્સમાં ૨૫ જૂનથી ૨૭ જૂન વચ્ચેનો સમયગાળો સૌથી વધુ ઘાતક સાબિત થયો હતો, જ્યારે તાપમાન ચરમસીમા પર પહોંચી ગયું હતું. નોંધાયેલા કુલ વધારાના મૃત્યુમાંથી લગભગ બે-તૃતીયાંશ (૬૬%) લોકો ૭૫ વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો હતા. આ ઉપરાંત, કુલ મોતોમાંથી લગભગ અડધા મૃત્યુ હોસ્પિટલોમાં થયા હતા, જ્યારે બાકીના મૃત્યુ નર્સિંગ હોમ અને ખાનગી મકાનોમાં નોંધાયા હતા. ભૌગોલિક રીતે જોઈએ તો ફ્રાન્સના પેરિસ રીજન પર ગરમીનો સૌથી વધુ પ્રહાર થયો હતો, જ્યાં અપેક્ષિત આંકડા કરતા લગભગ ૨,૦૦૦ થી વધુ મોતો નોંધાયા હતા.

 

 હીટવેવનો સાયલન્ટ કિલર તરીકે ઉભરો:

આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે દરેક મૃત્યુનું સીધું કારણ માત્ર સનસ્ટ્રોક કે લૂ લાગવી ન હોઈ શકે, પરંતુ અતિશય ગરમીને કારણે શરીર નિર્જલીકૃત (ડીહાઇડ્રેટ) થવાથી હૃદય, ફેફસાં અને કિડની સંબંધિત જૂની કે ગંભીર બીમારીઓ ઉથલો મારે છે, જે આખરે મૃત્યુનું કારણ બને છે. પૂર કે વાવાઝોડા જેવી આપત્તિઓની સરખામણીમાં હીટવેવ એક અદ્રશ્ય પરંતુ અત્યંત ઘાતક આપત્તિ તરીકે સામે આવી છે.

 

 યુરોપમાં વધતું આબોહવાકીય સંકટ:

વૈજ્ઞાનિકોએ વારંવાર ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) ના કારણે યુરોપ ખંડમાં હીટવેવની આવૃત્તિ, તીવ્રતા અને સમયગાળો સતત વધી રહ્યા છે. અગાઉ વર્ષ ૨૦૦૩ માં આવેલા યુરોપિયન હીટવેવમાં ૭૦,૦૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જે આધુનિક ઇતિહાસની સૌથી ઘાતક આબોહવાકીય આપત્તિ ગણાય છે. ત્યારબાદ મોટાભાગના યુરોપિયન દેશોએ કટોકટી અને ચેતવણી પ્રણાલી મજબૂત કરી હોવા છતાં, ફ્રાન્સના આ તાજેતરના આંકડા પુરવાર કરે છે કે અતિશય ગરમી હવે માત્ર હવામાનની ઘટના નથી રહી, પરંતુ જાહેર આરોગ્ય માટે સૌથી મોટું સાર્વજનિક સંકટ બની ગઈ છે.

(2:21 PM IST)