<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ગયા એક જ મહિનામાં યુદ્ધમાં રશિયામાં ૫૦,૦૦૦થી વધુના મોત : ૨૮ હજારથી વધુ જવાનોના મોતથી ખળભળાટ!

નાટોના વરિષ્ઠ અધિકારીનો સનસનાટીભર્યો ખુલાસો: સામે યુક્રેનને ૫,૦૦૦નું નુકસાન: કિલ ઝોનમાં હોમાતા રશિયન સૈનિકો અને રક્ષણ ક્ષેત્રે રશિયાનો ખર્ચ અંદાજ કરતાં ૪૦ ટકા વધી ગયો!

કીવ:યુક્રેન સામે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સંગ્રામમાં રશિયાને અભૂતપૂર્વ અને ભારે ખુવારીનો સામનો કરવો પડી રહ્યો છે. નાટોના એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ નામ ન આપવાની શરતે ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, ગયા એક જ મહિના દરમિયાન યુક્રેનમાં લડાઈ દરિયાન રશિયાના ૫૦,૦૦૦થી વધુના મોત થયા છે, જેમાંથી આશરે ૨૮,૦૦૦ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડો યુક્રેનિયન દળોને થયેલા નુકસાન કરતાં અનેક ગણો વધારે છે. યુક્રેનને આ જ સમયગાળા દરમિયાન આશરે ૫,૦૦૦ જવાનોના મોત થયા છે.


રિપોર્ટ અનુસાર, રશિયન સૈન્ય યુક્રેનની ધરતી પર આક્રમક લાભ મેળવવા માટે આડેધડ પ્રયાસો કરી રહ્યું છે. રશિયન કમાન્ડરો દ્વારા પોતાના સૈનિકોને એવા ભયાનક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે જ્યાં યુક્રેનિયન દળોના ડ્રોન, લેન્ડમાઈન, આર્ટિલરી અને અન્ય ઘાતક સંરક્ષણ પ્રણાલીઓ સતત સક્રિય છે. યુદ્ધ ક્ષેત્રના આ વિસ્તારોને 'કિલ ઝોન' તરીકે ઓળખવામાં આવે છે. રશિયા તરફથી જમીની લાભ મેળવવાના તમામ પ્રયાસો છતાં નુકસાન અને મૃત્યુનો આંકડો અત્યંત ઊંચો નોંધાયો છે.

ખર્ચમાં ૪૦%નો વિસ્ફોટક વધારો
આ યુદ્ધ હવે રશિયા માટે આર્થિક રીતે પણ ભારે પડી રહ્યું છે. લાંબા સમયથી ખેંચાઈ રહેલા આ સંઘર્ષને કારણે રશિયાના લશ્કરી ખર્ચમાં નોંધપાત્ર અને અણધાર્યો વધારો થયો છે. આ ચાલુ વર્ષે રશિયાનો લશ્કરી ખર્ચ તેની મૂળ યોજનાઓ કરતાં લગભગ ૪૦ ટકા જેટલો વધી જવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એક તરફ રશિયા જંગી જાનમાલની ખુવારી ભોગવી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેને કેટલાક મહત્વના વિસ્તારોમાં વળતા પ્રહારો કરીને પ્રાદેશિક લાભ પણ મેળવ્યો છે.


જર્મન ગુપ્તચર સંસ્થાના વડા સહિત અનેક આંતરરાષ્ટ્રીય અધિકારીઓનું માનવું છે કે યુદ્ધની સ્થિતિ હવે એવી ગંભીર મોડ પર આવી ગઈ છે જ્યાંથી મોટો રાજકીય ખર્ચ ચૂકવ્યા વિના તેનો અંત લાવવો અત્યંત મુશ્કેલ છે. આટલી મોટી સંખ્યામાં સૈનિકોના મોત રશિયા માટે સ્થાનિક સ્તરે મોટો જનરોષ અને રાજકીય પડકારો ઉભા કરી શકે છે. નાટોના આ અંકડાઓએ વિશ્વભરમાં શાંતિ પ્રયાસો અને યુદ્ધ વિરામની જરૂરિયાત અંગેની ચર્ચાઓને ફરી એકવાર તેજ બનાવી દીધી છે.

(6:38 PM IST)