<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

સવારની શરૂઆત હવે મોંઘી: કોલગેટના ટૂથપેસ્ટના ભાવમાં 5% સુધીનો વધારો, તમારી મનપસંદ બ્રાન્ડના પેક માટે હવે ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચવા પડશે!

મોંઘવારીનો માર: કાચા માલ અને પેકેજિંગના વધતા ખર્ચ વચ્ચે FMCG દિગ્ગજ કોલગેટ-પામોલિવનો ભાવ વધારો, જાણો કયા પેક પર કેટલી અસર થઈ?

તા. 29: જો તમારી સવાર કોલગેટ સાથે શરૂ થતી હોય, તો હવે તમારે થોડું વધુ સાવધાન રહેવું પડશે. વધતી જતી મોંઘવારીની અસર હવે તમારા બાથરૂમ સુધી પહોંચી ગઈ છે. કોલગેટ-પામોલિવ ઇન્ડિયાએ તેના લોકપ્રિય ટૂથપેસ્ટ ઉત્પાદનોના ભાવમાં મે મહિનામાં 5 ટકા સુધીનો વધારો ઝીંક્યો છે. કંપનીનું કહેવું છે કે કાચો માલ, પેકેજિંગ સામગ્રી અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો.
કયા પેકમાં કેટલો વધારો થયો?
કોલગેટના લોકપ્રિય પેક પર થયેલા ભાવ વધારાની વિગતો નીચે મુજબ છે:
•    કોલગેટ ડેન્ટલ ક્રીમ (200g+100g+ટૂથબ્રશ): આ કોમ્બો પેક હવે 8 રૂપિયા મોંઘું થયું છે, જેની નવી કિંમત 208 રૂપિયા થઈ છે.
•    200 ગ્રામ ડેન્ટલ ક્રીમ પેક: આ પેક પર 5 રૂપિયાનો વધારો થતાં હવે તેની કિંમત 135 રૂપિયા થઈ છે.
•    100 ગ્રામ ડેન્ટલ ક્રીમ પેક: આ પેકની કિંમત 3 રૂપિયા વધીને 73 રૂપિયા થઈ છે, જોકે કંપનીએ તેમાં થોડી વધુ પ્રોડક્ટ આપીને ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.
•    મેક્સ ફ્રેશ અને પ્રીમિયમ રેન્જ: મેક્સ ફ્રેશ બ્લુ (70 ગ્રામ) 4 રૂપિયા વધીને 83 રૂપિયા થયું છે, જ્યારે પ્રીમિયમ 'વિઝિબલ વ્હાઇટ પર્પલ' (200 ગ્રામ) ના ભાવમાં તોતિંગ 17 રૂપિયાનો વધારો થતાં તેની MRP 395 રૂપિયા પર પહોંચી ગઈ છે.
FMCG ક્ષેત્રમાં ફુગાવાનું દબાણ
નિષ્ણાતોના મતે, આ માત્ર કોલગેટની વાત નથી, પરંતુ સમગ્ર FMCG ક્ષેત્ર કાચા માલના ઊંચા ભાવ અને પેકેજિંગ ખર્ચના દબાણ હેઠળ છે. કંપનીઓ પોતાના નફાના માર્જિનને બચાવવા માટે સતત ભાવ વધારી રહી છે અથવા પેકના કદમાં ફેરફાર (Shrinkflation) કરી રહી છે. જોકે, ડિસ્ટ્રિબ્યુટર્સનું માનવું છે કે અત્યંત સસ્તા પેકેટ્સના ભાવમાં વધારો કરવાનું કંપનીઓ ટાળી રહી છે, કારણ કે આ વર્ગના ગ્રાહકો ભાવ વધારા પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે.
કોલગેટનું અર્થશાસ્ત્ર
કોલગેટ-પામોલિવ માટે ટૂથપેસ્ટ એ કરોડરજ્જુ સમાન છે, જે કંપનીની કુલ આવકમાં આશરે 80 ટકા ફાળો આપે છે. આટલો મોટો હિસ્સો હોવા છતાં, કંપનીએ ભાવ વધારાનો માર્ગ પસંદ કર્યો છે. શેરબજાર પર નજર કરીએ તો, આ ભાવ વધારાની જાહેરાત છતાં કોલગેટના શેર શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 2,083 ની આસપાસ સ્થિર જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે બજાર આ ભાવ વધારાને પહેલેથી જ પચાવી ચૂક્યું છે.

(4:02 PM IST)