<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોનો મોટો દાવ: વિદેશી નાગરિકો માટે સેનામાં ભરતીના નિયમો બદલ્યા, પ્રતિ સૈનિક ₹૧૬ લાખ આપવાની જાહેરાત

ઇર્કુત્સ્ક પ્રદેશના ગવર્નરે જારી કર્યો નવો આદેશ; માનવબળની ભારે અછત વચ્ચે વિદેશીઓ અને રાજ્યવિહીન વ્યક્તિઓ માટે અલગ કેટેગરી બનાવી પ્રોત્સાહક રકમ ચાર ગણી વધારી

મોસ્કો, તા.૧૪: યુક્રેન સામે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે રશિયાએ સેનામાં માનવબળ વધારવા માટે નાણાકીય પ્રોત્સાહનોનો આશરો લીધો છે. રશિયાના ઇર્કુત્સ્ક પ્રદેશના ગવર્નર ઈગોર કોબઝેવે એક વિશેષ હુકમનામા પર હસ્તાક્ષર કરીને યુક્રેન યુદ્ધમાં જોડાતા દરેક વિદેશી નાગરિક અથવા રાજ્યવિહીન (Stateless) વ્યક્તિ માટે ૧.૫ મિલિયન રુબેલ્સ (આશરે રૂ. ૧૬ લાખ) સુધીની માતબર રકમ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.

 

સ્વતંત્ર રશિયન આઉટલેટ 'વ્યોર્સ્ટકા' અને 'ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ'ના અહેવાલો મુજબ, રશિયાના કોઈપણ પ્રદેશ દ્વારા વિદેશી નાગરિકોને પોતાના લશ્કરમાં સામેલ કરવા માટે અપાતી આ અત્યાર સુધીની સૌથી મોટી પ્રોત્સાહક રકમ છે. આ વર્ષના એપ્રિલ મહિના સુધી ઇર્કુત્સ્ક પ્રદેશમાં કોન્ટ્રાક્ટ સૈનિકોની ભરતી માટે મહત્તમ ૪૦૦,૦૦૦ રુબેલ્સ (આશરે $૪,૭૦૦) આપવામાં આવતા હતા. જોકે, માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં જ આ રકમ ચાર ગણી વધારી દેવામાં આવી છે.

 

આ નવા હુકમનામાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે રશિયન ઈતિહાસમાં પ્રથમ વખત ખાસ કરીને વિદેશી નાગરિકો અને રાજ્યવિહીન વ્યક્તિઓ માટે એક સાવ અલગ જ ભરતી શ્રેણી (Category) બનાવવામાં આવી છે. આ સિવાય, ઇર્કુત્સ્ક ઓબ્લાસ્ટની બહાર નોંધાયેલા રશિયન નાગરિકો જો આ યુદ્ધમાં જોડાય તો તેમના માટેનું પ્રોત્સાહન પણ ૪૦૦,૦૦૦ રુબેલ્સથી બમણું કરીને ૮૦૦,૦૦૦ રુબેલ્સ (આશરે $૯,૫૦૦) કરી દેવામાં આવ્યું છે.

 

યુદ્ધમાં થઈ રહેલી જાનહાનિ અને સૈનિકોના સતત ઘટી રહેલા આંકડા વચ્ચે મોસ્કો હવે કોઈપણ ભોગે નવું માનવબળ આકર્ષવા માટે સતત દબાણ કરી રહ્યું છે. વિદેશીઓની સેનામાં ભરતી કરીને રશિયા પોતાના દેશના નાગરિકોમાં યુદ્ધ પ્રત્યેનો આક્રોશ ઘટાડવા અને લશ્કરની અછત પૂરી કરવા માટે મોટો આર્થિક દાવ ખેલી રહ્યું છે.

(5:06 PM IST)