<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અમેરિકામાં રહેતી દીકરીએ બિલ ન ભરતાં માતાને ડિપોર્ટ કરાયાં

હોસ્‍પિટલનું બાકી રહેલું બિલ ગુજરાતી મહિલા માટે મોટી મુશ્‍કેલી બની ગયું

મિશિગન તા.૨૨: અમેરિકાના દસ વર્ષના વિઝિટર વિઝા ધરાવતા એક મહિલાને તેમની દીકરીએ કરેલી ભૂલને કારણે પોતાના વિઝા ગુમાવવાની સાથે ડિપોર્ટ થવાનો પણ વારો આવ્‍યો છે. મળેલી વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના આ મહિલા પેન્‍સિલવેનિયામાં રહેતી પોતાની દીકરીને ત્‍યાં રોકાવા માટે ગયા હતા. જોકે, આ સ્‍ટે દરમિયાન તે અચાનક બીમાર પડતાં તેમને હોસ્‍પિટલમાં એડમિટ કરવા પડ્‍યા, ત્‍યાં અમુક દિવસો સુધી તેમની સારવાર પણ ચાલી હતી પરંતુ દીકરીએ હોસ્‍પિટલનું બિલ પે ના કર્યું અને હોસ્‍પિટલ દ્વારા મોકલવામાં આવેલી નોટિસની પણ કોઈ નોંધ ના લીધી.

આ બધું થયું ત્‍યારબાદ આ યુવતીના માતા અમેરિકાથી ઈન્‍ડિયા પાછા આવી ગયા હતા, પરંતુ બીજા વર્ષે તેઓ ફરી અમેરિકા પહોંચ્‍યા ત્‍યારે ન્‍યૂયોર્ક એરપોર્ટ પર જ તેમને અટકાવવામાં આવ્‍યા હતા અને અગાઉના સ્‍ટે વખતે હોસ્‍પિટલાઈઝેશનનું બિલ ના ભર્યું હોવાનું કારણ આપી તેમના દસ વર્ષના વિઝિટર વિઝા રદ કરી તેમને તુરંત જ ઈન્‍ડિયા પાછા મોકલી દેવામાં આવ્‍યા. અમેરિકામાં રહેતા અમારા એક વ્‍યૂઅરે શેર કરેલા આ કિસ્‍સો તાજેતરનો જ છે અને હવે હોસ્‍પિટલનું બાકી રહેલું બિલ આ ગુજરાતી મહિલા માટે મોટી મુશ્‍કેલી બની ગયું છે.

અમેરિકામાં કોઈપણ હોસ્‍પિટલ ક્‍યારેય પેશન્‍ટના એડમિશન વખતે ડિપોઝિટ નથી લેતી અને ના તો રોજેરોજ જાતભાતના બિલ ફાડવામાં આવે છે. સામાન્‍ય રીતે ડિસ્‍ચાર્જ લીધા બાદ ટ્રીટમેન્‍ટના તમામ ખર્ચાનો હિસાબ થતો હોય છે અને બિલ ઘરે આવી જતું હોય છે. હોસ્‍પિટલમાં એડમિટ પેશન્‍ટની જેણે જવાબદારી લીધી હોય તેના એડ્રેસ પર આ બિલ મોકલવામાં આવે છે અને જો પેશન્‍ટ બિલ ચૂકવી શકે તેમ ના હોય તો તેની રકમ ભરવા માટે પણ તેની જવાબદારી લેનાર જ બંધાયેલો છે.

(9:48 AM IST)