News of Sunday, 3rd May 2026
ન્યાયતંત્રમાં માતમ: દિલ્હીના યુવા જજે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કરકરડૂમા કોર્ટમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય ન્યાયાધીશ અમન કુમાર શર્માનો મૃતદેહ સફદરજંગ સ્થિત નિવાસસ્થાને લટકતી હાલતમાં મળતા કાયદાકીય આલમમાં ખળભળાટ, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

દિલ્હી: દેશની રાજધાનીમાં ન્યાયતંત્રને હચમચાવી દેતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવા જજે અકાળે વિદાય લીધી છે. દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં ડીએલએસએ (DLSA) તરીકે કાર્યરત ૩૦ વર્ષીય ન્યાયાધીશ અમન કુમાર શર્માએ શનિવારે પોતાના સફદરજંગ એન્ક્લેવ સ્થિત નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં જજ અમન કુમારનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ આઘાતજનક પગલાં પાછળ કોઈ અંગત કારણ છે કે પ્રોફેશનલ દબાણ, તે અંગે પોલીસ હાલ ઊંડી તપાસ કરી રહી છે.
વર્ષ ૨૦૨૧માં દિલ્હી ન્યાયિક સેવામાં જોડાયેલા અમન કુમાર શર્મા એક બાહોશ અને તેજસ્વી અધિકારી તરીકે ઓળખાતા હતા. પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ લો સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ટૂંકા ગાળામાં જ સિવિલ અને ફોજદારી કેસોમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. તેમના સાળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે, પરંતુ કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે નહીં તે અંગે પોલીસે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કાયદાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા આત્મહત્યાનો આ બીજો મોટો કિસ્સો છે. અગાઉ કનોટ પ્લેસની એક હોટલના ૧૫માં માળેથી કૂદીને હાઈકોર્ટના એક યુવા વકીલે પણ જીવ ગુમાવ્યો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓએ ન્યાયિક કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ જજ અમન કુમારના મોબાઈલ રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે જેથી આ આત્મહત્યાના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે. ન્યાયતંત્રના સાથી મિત્રો અને વકીલ મંડળે આ દુખદ અવસાન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
