<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

કેરળ-કર્ણાટક સરહદે ફિલ્મ જેવો ડ્રામા: કારની ડ્રાઈવર સીટ નીચે બનાવેલા ગુપ્ત ચેમ્બરમાંથી ₹૧.૪૪ કરોડની બિનહિસાબી રોકડ જપ્ત, ૩ શંકાસ્પદોની ધરપકડ

વાયનાડના થોલ્પેટ્ટી ચેકપોસ્ટ પર એન્ટી-ડ્રગ ટીમ અને પોલીસનું સઘન ચેકિંગ; વાહનમાં સ્પેશિયલ બોક્સ બનાવી કાળી કમાણીની હેરાફેરી કરવાનો પર્દાફાશ

વાયનાડ : કેરળ-કર્ણાટક સરહદ પર આવેલા વાયનાડના થોલ્પેટ્ટી વિસ્તારમાં પોલીસે એક સનસનાટીભરી કાર્યવાહી કરીને ફિલ્મી ઢબે થઈ રહેલી કાળા નાણાંની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. થિરૂનેલી પોલીસ અને જિલ્લાની સ્પેશિયલ એન્ટી-ડ્રગ ટીમ (DANSAF) દ્વારા હાથ ધરાયેલા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. કારની બારીકાઈથી તલાશી લેતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ડ્રાઈવર સીટની નીચે એક ખાસ બનાવટી ગુપ્ત ચેમ્બર (બોક્સ) બનાવવામાં આવ્યું હતું.

 

પોલીસે જ્યારે આ ગુપ્ત બોક્સ ખોલ્યું ત્યારે તેમાંથી ₹૫૦૦ ના દરની ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. કુલ ગણતરી કરતા આ રકમ ₹૧,૪૪,૫૦,૦૦૦ (આશરે ૧.૪૪ કરોડ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ કારમાં સવાર ત્રણ લોકો—પ્રભુ રાજ (ઉંમર ૨૦, કોઝિકોડ), સ્વપ્નિલ (ઉંમર ૨૩, કન્નુર) અને રાહુલ (ઉંમર ૨૬, મહારાષ્ટ્ર) ની કસ્ટડી લઈ તેમની ધરપકડ કરી છે.

 

કાળા નાણાં અને હવાલા નેટવર્ક અંગે ઘનઘોર તપાસ

 

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કર્ણાટકથી કેરળમાં પ્રવેશ કરવા માટે થોલ્પેટ્ટી મુખ્ય માર્ગ છે. ગુનેગારો અવારનવાર વાહનોમાં મોડિફિકેશન કરીને આવા ગુપ્ત કમ્પાર્ટમેન્ટ બનાવે છે જેથી બિનહિસાબી રોકડ, ડ્રગ્સ કે સોનાની તસ્કરી કરી શકાય.

 

હાલમાં પોલીસ આ જંગી રકમના સ્ત્રોત અને તેના અંતિમ ડેસ્ટિનેશન અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ નાણાં ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને સુપ્રત કરવાના હતા તે દિશામાં ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

(6:28 PM IST)