હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એમપી સરકારનો દિવાળી જેવો ધડાકો: ૧૦ વર્ષથી અટકેલા પ્રમોશનનો રસ્તો સાફ : લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ
કાનૂની ગૂંચવણોના કારણે એક દાયકાથી ફસાયેલી ફાઈલોને મુખ્યમંત્રી મોહન યાદવે આપી લીલી ઝંડી : એડવોકેટ જનરલની ખાસ સલાહ બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું

ભોપાલ: મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ માટે લાંબા સમયના ઈંતેજાર બાદ આખરે ખુશીના મહાસ સમાચાર આવ્યા છે. રાજ્યની મોહન યાદવ સરકારે એક ઐતિહાસિક અને સાહસિક નિર્ણય લઈને છેલ્લાં લગભગ ૧૦ વર્ષથી ખોરંભે પડેલી પ્રમોશન (બઢતી)ની પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. કાનૂની દાવપેચ અને વહીવટી ગૂંચવણોના કારણે વર્ષોથી જે કર્મચારીઓ એક જ પદ પર અટકેલા હતા અને નિરાશ થઈ ચૂક્યા હતા, તેમના માટે સરકારનો આ આદેશ સંજીવની સમાન સાબિત થયો છે. સામાન્ય વહીવટ વિભાગે (GAD) આ અંગે તમામ અધિક મુખ્ય સચિવો, વિભાગીય વડાઓ (HOD) અને જિલ્લા કલેક્ટરોને તાકીદનો પત્ર લખીને પ્રમોશનની કાર્યવાહી તાત્કાલિક આગળ વધારવાનો સત્તાવાર આદેશ જારી કરી દીધો છે.
આ જટિલ કાનૂની વિવાદનો કાયમી ઉકેલ લાવવા માટે મધ્યપ્રદેશના એડવોકેટ જનરલે દેશના સર્વોચ્ચ અને અગ્રણી ધારાશાસ્ત્રી સીએસ વૈદ્યનાથન પાસેથી એક ખાસ કાનૂની અભિપ્રાય (Legal Opinion) માંગ્યો હતો. વરિષ્ઠ એડવોકેટ વૈદ્યનાથને કાયદાકીય પાસાઓનો ઊંડો અભ્યાસ કરીને સરકારને સ્પષ્ટ કર્યું કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે પ્રમોશન નિયમો ૨૦૦૨ પર ક્યારેય કોઈ ઔપચારિક વચગાળાનો સ્ટે (પ્રતિબંધ) મૂક્યો જ નહોતો. ભૂતકાળમાં રાજ્ય સરકારે માત્ર કોર્ટ સમક્ષ એવી બાંહેધરી આપી હતી કે અનામતનો મામલો પેન્ડિંગ હશે ત્યાં સુધી પ્રમોશન અટકાવી રખાશે. આમ, અદાલત તરફથી કોઈ કાનૂની રોક ન હોવાનું સ્પષ્ટ થતાં જ સરકારે ત્વરિત નિર્ણય લઈને અટકેલા પ્રમોશનના દ્વાર ખોલી નાખ્યા છે.
સરકારના આ માસ્ટરસ્ટ્રોકથી મધ્યપ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આ આદેશ છૂટતાની સાથે જ હવે તમામ સરકારી વિભાગોમાં 'વિભાગીય પ્રમોશન સમિતિ' ની બેઠકો યોજવાનો માર્ગ એકદમ મોકળો થઈ ગયો છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ વિભાગોને વહેલી તકે પાત્ર કર્મચારીઓની સીનિયોરિટી યાદી તૈયાર કરવા કહી દેવાયું છે, જેથી લાયક અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપથી ઉચ્ચ પદો પર બઢતી આપી શકાય. સરકારના આ નિર્ણયથી વહીવટી તંત્રમાં પણ નવી ઊર્જાનો સંચાર થશે અને કામગીરી વધુ ઝડપી બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
