તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
MP પંચાયત ચૂંટણીમાં હવે ‘મેયર’ સ્ટાઈલથી ખેલાશે જંગ: જિલ્લા અને જનપદ પ્રમુખોની થશે સીધી ચૂંટણી, સભ્યોના ખરીદ-વેચાણ અને ‘હોર્સ ટ્રેડિંગ’ પર લાગશે બ્રેક!
૨૦૨૭ની ચૂંટણી પહેલા શિવરાજ સરકારનો મોટો માસ્ટરપ્લાન; પંચાયતી રાજના કાયદામાં ફેરફારની તૈયારી, હવે જનતાના મતે જ નક્કી થશે ગામડાના ‘સરકાર’

ભોપાલ : મધ્યપ્રદેશના રાજકારણમાં પાયાના સ્તરે એક મોટો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં સરકાર એવા ફેરફારો કરવા જઈ રહી છે જેનાથી રાજકીય સમીકરણો પૂરેપૂરા બદલાઈ જશે. હવે નગર નિગમના મેયરની જેમ જ જિલ્લા અને જનપદ પંચાયતના પ્રમુખોની ચૂંટણી પણ સીધી જનતા દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ પગલાથી ચૂંટણી પછી થતી સભ્યોની ખેંચતાણ અને ભ્રષ્ટાચાર પર લગામ કસવાની સરકારની તૈયારી છે.
ચાલાકીની રાજનીતિનો આવશે અંત
અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, જિલ્લા અને જનપદ પંચાયતના પ્રમુખોની પસંદગી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં અવારનવાર સભ્યોને લાલચ આપવી, ધમકાવવા અથવા તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાની ‘બાડાબંધી’ જેવી ફરિયાદો ઉઠતી હતી. સરકારનું માનવું છે કે જો જનતા સીધા જ પ્રમુખને ચૂંટશે, તો રાજકીય પક્ષોની ચાલાકી અને સભ્યોના ખરીદ-વેચાણના ખેલ પર કાયમી રોક લાગી જશે.
અન્ય રાજ્યોની પદ્ધતિનો અભ્યાસ શરૂ
મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ બાદ પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ સક્રિય થઈ ગયો છે. પંચાયત રાજ નિયામક અત્યારે અન્ય રાજ્યોમાં પ્રમુખોની સીધી ચૂંટણીની શું જોગવાઈઓ છે તેનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. જે રીતે નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર માટે સીધી ચૂંટણીની જોગવાઈ છે, તેવી જ રીતે પંચાયતી રાજના કાયદામાં સુધારો કરીને આ નવી સિસ્ટમ ૨૦૨૭માં લાગુ કરવામાં આવશે.
૨૦૨૭માં ‘સુપર ઈલેક્શન’નો માહોલ
મધ્યપ્રદેશમાં ૨૦૨૭માં શહેરી સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજવાનો પ્રસ્તાવ છે. જો આ નવો નિયમ અમલમાં આવશે, તો રાજ્ય ચૂંટણી પંચે પણ પોતાના નિયમો અને વોટિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવા પડશે. જોકે પંચાયત ચૂંટણી પક્ષીય ધોરણે રમાતી નથી, પરંતુ રાજકીય પ્રભુત્વ મેળવવા માટે આ સીધી ચૂંટણીનો જંગ અત્યંત રોમાંચક બની રહેશે તે નક્કી છે.
ટૂંક સમયમાં જ આ અંગે કેબિનેટમાં દરખાસ્ત લાવીને કાયદાકીય મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેનાથી ગ્રામીણ મતદારોની શક્તિમાં અનેકગણો વધારો થશે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
