<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સંસદમાં સતત હોબાળા સામે સાંસદ સયોની ઘોષનો આકરો પ્રહાર: "વિપક્ષના હંગામાથી કરદાતાઓના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે, ગૃહને ચાલવા દો!"

ચોમાસુ સત્રમાં વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે સંસદની કાર્યવાહી ઠપ્પ થતાં સાંસદોની નારાજગી; બીજી તરફ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને ભાજપ પર બિલો પર ચર્ચા વગર જ કાયદા લાદવાનો લગાવ્યો આક્ષેપ

નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્રમાં જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ સહિતના વિવિધ વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા ભારે હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે. આ સ્થગિતતા અને વિરોધ પ્રદર્શન સામે મમતા બેનર્જીનો સાથ છોડીને NCPIમાં જોડાયેલાં સાંસદ સયોની ઘોષે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે અને સંસદ ન ચાલવા દેવાને પ્રજાના ટેક્સના પૈસાનો સીધો બગાડ ગણાવ્યો છે.

"અમે જનતાના પ્રશ્નો નથી ઉઠાવી શકતા" - સયોની ઘોષની વ્યથા

સંસદની કામગીરી વારંવાર મુલતવી રાખવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં NCPI સાંસદ સયોની ઘોષે જણાવ્યું હતું કે, "ગૃહ દરરોજ મુલતવી રહેવાના કારણે અમે પ્રશ્નકાળ કે શૂન્યકાળ દરમિયાન અમારા મતવિસ્તારના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી શકતા નથી. આ ખૂબ જ ખેદજનક બાબત છે કારણ કે જનતાએ આપણને તેમની અવાજ બનવા માટે ચૂંટ્યા છે. મારી તમામ પક્ષોને એક જ વિનંતી છે કે ગૃહને શાંતિથી કામ કરવા દેવામાં આવે. વિરોધ કરવો હોય તો બહાર ગમે ત્યાં કરી શકાય, પરંતુ ગૃહનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સત્તાપક્ષ અને વિપક્ષ બંનેની છે."

TMCમાં મોટો ભંગાણ અને રાજકીય સમીકરણો

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૧૫ વર્ષના શાસન બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો પરાજય થયો હતો અને ભાજપના નેતૃત્વમાં નવી સરકાર રચાઈ હતી. આ રાજકીય ઉલટફેર બાદ TMCમાં મોટો ભંગાણ સર્જાયો હતો, જેમાં ધારાસભ્યો અને સાંસદોના જૂથો અલગ થયા હતા. યુસુફ પઠાણ, કાકોલી ઘોષ અને સયોની ઘોષ જેવાં અગ્રણી નેતાઓએ TMC સાથે છેડો ફાડીને NCPI સાથે જોડાયા હતા અને હાલ તેઓ NDAને સમર્થન આપી રહ્યા છે.

બીજી તરફ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને ભાજપને ઘેરી

આ જ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયને શાસક પક્ષ ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર સંસદમાં કોઈપણ અર્થપૂર્ણ કે ઊંડાણપૂર્વકની ચર્ચા વગર જ કઠોર કાયદા અને FCRA જેવા વિવાદાસ્પદ બિલો બળજબરીથી પસાર કરાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે સરકારની આ પદ્ધતિથી કારોબારીની લોકશાહી જવાબદારીઓ નબળી પડી રહી છે.

(8:40 PM IST)