તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
MPSC પેપર લીક અને પરીક્ષા વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન: 'અમને રાજકારણમાં રસ નથી, વિદ્યાર્થીઓની દરેક વ્યાજબી માગણી પૂરી કરીશું'
આગામી MPSC પરીક્ષામાં તમામ રેકોર્ડ તૂટે તેટલી બમ્પર ભરતી કરાશે: આયોગના અધ્યક્ષના રાજીનામાની માંગ ફગાવી, વિદ્યાર્થીઓની માંગ મુજબ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર પર સરકાર સકારાત્મક

મુંબઈ : મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (MPSC) ની પરીક્ષાઓ અને કથિત પેપર લીક વિવાદને લઈને રાજ્યમાં ગરમાયેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું કે સરકારને રાજકીય માંગણીઓમાં કોઈ રસ નથી, પરંતુ પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓની દરેક ન્યાયી તથા વ્યાજબી માગણીને રાજ્ય સરકાર ચોક્કસપણે પૂરી કરશે.
MPSC ની ઔષધ નિરીક્ષક (ડ્રગ ઈન્સ્પેક્ટર) પરીક્ષાના કથિત પેપર લીક મામલે વિપક્ષી નેતાઓ અને ધારાસભ્ય રોહિત પવાર દ્વારા આયોગના અધ્યક્ષ વિવેક ભીમનવારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે ફડણવીસે સ્પષ્ટ કર્યું કે જે બનાવ અંગે રાજીનામું માંગવામાં આવી રહ્યું છે, તે ઘટના ભીમનવારે હોદ્દો સંભાળ્યો તે પહેલાની છે. તેથી કોઈપણ પુરાવા વિના માત્ર રાજકીય દબાણ હેઠળ રાજીનામું માંગવું યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં આયોગના અધિકારીઓ સહિત ૬ લોકોની ધરપકડ કરી છે અને વિવાદિત ભરતી રદ કરી નવી પરીક્ષા લેવાની ઘોષણા કરી દીધી છે.
બમ્પર ભરતી અને પરીક્ષા પદ્ધતિમાં બદલાવની તૈયારી
વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે MPSC માં જગ્યાઓ ઓછી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં ખાલી જગ્યાઓની સતત સમીક્ષા થઈ રહી છે. આગામી MPSC પરીક્ષામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી જાય તેટલી મોટી સંખ્યામાં જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પણ અલગ સિસ્ટમ ઊભી કરવા પર વિચારણા ચાલી રહી છે.
વધુમાં, MPSC ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અને બહુવિકલ્પીય પ્રશ્નપદ્ધતિ (MCQ format) ફરી લાગુ કરવાની વિદ્યાર્થીઓની માંગ પર વધારાના મુખ્ય સચિવ વી. રાધાની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે. જો આ કમિટી સકારાત્મક ભલામણ કરશે તો સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
