<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત :600 કિલો ચાંદી લઈને જતી વેન ડિવાઈડર સાથે અથડાઈ ટ્રક સાથે ટકરાઈ : બે લોકોના મોત

વેન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વેન ડિવાઈડર કૂદીને સામેની લેનમાં આવી સામેથી આવતા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ :મુંબઈની 'નકોડા બુલિયન'ની આ વેન ચાંદીની 20 પ્લેટ (600 કિલો) લઈને વાપી જઈ રહી હતી

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં આશરે 17.66 કરોડની કિંમતની 600 કિલો ચાંદી લઈને જઈ રહેલી એક વેન ડિવાઈડર સાથે અથડાઈને ટ્રક સાથે ભટકાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

કાસા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે 6:20 વાગ્યે ચારોટી બ્રિજ પાસે બની હતી. પાલઘરના એસપી યતીશ દેશમુખે જણાવ્યું કે, વેન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વેન ડિવાઈડર કૂદીને સામેની લેનમાં આવી ગઈ હતી અને સામેથી આવતા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

મુંબઈની 'નકોડા બુલિયન'ની આ વેન ચાંદીની 20 પ્લેટ (600 કિલો) લઈને વાપી જઈ રહી હતી. વેન પલટી ખાવા છતાં અંદર રહેલું કિંમતી પેકિંગ સુરક્ષિત રહ્યું હતું. જોકે, હાઈવે પર કરોડોની ચાંદી હોવાની વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિને જોતા પોલીસે ઘટનાસ્થળે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કિંમતી સામાન કબજે કરી તપાસ હાથ ધરી છે.

 

(9:19 PM IST)