<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

મુંબઈ એરપોર્ટ પર ભારે અરાજકતા: ગ્રાઉન્ડ સ્ટાફની અચાનક હડતાળથી એર ઈન્ડિયાની ફ્લાઈટો ખોરવાઈ, સામાન વિના જ મુસાફરો એરપોર્ટ છોડવા મજબૂર!

AIASL એજન્સીના કર્મચારીઓની હડતાળને કારણે પ્લેનની અંદર જ કલાક સુધી કેદ રહ્યા પેસેન્જરો; સોશિયલ મીડિયા પર આક્રોશ - "કામ ન થતું હોય તો એરલાઇન સરકારને પાછી આપી દો"

મુંબઈ, તા.૧૮: દેશના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાંના એક એવા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર આજે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના હજારો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ સંભાળતી થર્ડ-પાર્ટી એજન્સી 'AI એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ' (AIASL) ના કર્મચારીઓએ અચાનક જ હડતાળનું હથિયાર ઉગામતા આખી ફ્લાઇટ કામગીરી રામભરોસે થઈ ગઈ છે. મુંબઈથી ઉપડતી અને અહીં લેન્ડ થતી અનેક ફ્લાઈટોના શિડ્યુલ વેરવિખેર થઈ જતાં એરપોર્ટ પર ગભરાટ અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે.

સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે હૈદરાબાદ અને દિલ્હીથી મુંબઈ આવી પહોંચેલી ફ્લાઈટોના મુસાફરોને લેન્ડિંગ પછી પણ આશરે એક કલાક સુધી પ્લેનની અંદર જ બેસી રહેવું પડ્યું હતું, કારણ કે તેમને બહાર લાવવા કે તેમનો સામાન ટર્મિનલ સુધી પહોંચાડવા માટે કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ હાજર નહોતો.

સામાન વિના જ ઘરે જવા મજબૂર બન્યા મુસાફરો; સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો

એરપોર્ટ પર ફસાયેલા રોષે ભરાયેલા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિમાનની અંદરના અને એરપોર્ટ ટર્મિનલના વીડિયો શેર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. મુસાફરોએ એરપોર્ટની સ્થિતિને "સંપૂર્ણ શરમજનક" ગણાવી છે. ઘણા પેસેન્જરોએ ફરિયાદ કરી છે કે એરપોર્ટ પર બે થી ત્રણ કલાક સુધી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ તેમને સામાન ન મળતા, આખરે સામાન વિના જ એરપોર્ટની બહાર નીકળી જવું પડ્યું હતું.

મેંગલુરુ અને કોચી જતી ફ્લાઈટો વારંવાર મોડી પડવાના કારણે અટવાયેલા એક મુસાફરે ગુસ્સામાં લખ્યું કે, "જો એર ઇન્ડિયા પોતાની કામગીરી યોગ્ય રીતે ચલાવી શકતી નથી, તો દર કલાકે મુસાફરોને માનસિક ટોર્ચર કરવાને બદલે આ એરલાઇન ફરીથી સરકારને પાછી આપી દો."

ગ્રાઉન્ડ સ્ટાફ ગાયબ, ડિસ્પ્લે બોર્ડ પણ બંધ!

એરપોર્ટ પર હાજર મુસાફરોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટના વિલંબ કે સામાન અંગે સાચી માહિતી આપવા માટે એરલાઈનનો કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ હેલ્પ ડેસ્ક પર હાજર નહોતો. એટલું જ નહીં, સામાન કયા બેલ્ટ પર આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ અને સાઈનબોર્ડ પણ બંધ જોવા મળ્યા હતા, જેના કારણે વૃદ્ધો અને નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જારી કરીને માફી માંગી

સમગ્ર વિવાદ અને અરાજકતા પર એર ઈન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જારી કરીને મુસાફરોની માફી માંગી છે. એરલાઇને જણાવ્યું છે કે, "મુંબઈ એરપોર્ટ પર થર્ડ-પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના સ્ટાફ દ્વારા ચાલી રહેલી આ અણધારી હડતાળને કારણે અમારી ફ્લાઈટ્સના સંચાલનને માઠી અસર થઈ છે. અમારી એરપોર્ટ મેનેજમેન્ટ ટીમ તમામ સંબંધિત હિસ્સેદારો સાથે મળીને કામગીરીને ફરી સામાન્ય કરવાના પ્રયાસો કરી રહી છે. મુસાફરોને પડનારી અસુવિધા બદલ અમને ખેદ છે અને આ કટોકટીના સમયે અમે તમારી ધીરજ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ." જોકે, હજુ સુધી ગ્રાઉન્ડ સ્ટાફ કામ પર ક્યારે પરત ફરશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(5:16 PM IST)