<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી: ૪ વિદેશી નાગરિકો પાસેથી ૧૧ કરોડનું કોકીન જપ્ત

મુંબઈ: આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 'ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ' (ડીઆરઆઈ) દ્વારા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ૪ વિદેશી નાગરિકો પોતાના પેટમાં કેપ્સ્યુલ ગળીને ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમને ડીઆરઆઈએ ઝડપી પાડ્યા છે. તેમના શરીરમાંથી સવા બે કિલો (૨.૨૫ કિલો) કોકીન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત ૧૧ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દેશમાં ડ્રગ્સની ઘૂસણખોરી રોકવા માટે ડીઆરઆઈની ટીમે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બાતમીના આધારે એક સઘન ઓપરેશન પાર પાડ્યું હતું. શંકાસ્પદ ગતિવિધિઓને આધારે એરપોર્ટ પર ૪ વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી.

શરૂઆતની તપાસમાં કશું જ હાથ ન લાગતા ડીઆરઆઈના અધિકારીઓએ તેમની તબીબી તપાસ કરાવી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દાણચોરોએ સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલ્સ ગળી લીધી હતી અને તેને પોતાના પેટમાં સંતાડીને લાવ્યા હતા. તબીબી પ્રક્રિયા મારફતે તેમના શરીરમાંથી આ કેપ્સ્યુલ્સ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. 

તપાસ કરતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનું ૨.૨૫ કિલો (સવા બે કિલો) કોકીન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની અંદાજિત કિંમત ૧૧ કરોડ રૂપિયા જેટલી થાય છે. 

ડીઆરઆઈએ 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ' (એનડીપીએસ) એક્ટ હેઠળ તમામ જથ્થો જપ્ત કરી ચારેય વિદેશી આરોપીઓની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તેની સઘન તપાસ શરૂ કરી છે.

(11:03 AM IST)