તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
યુનેસ્કો ગ્લોબલ સ્પર્ધામાં મુંબઈની દીકરીનો ડંકો: AI અને રોબોટિક્સમાં વિશ્વભરમાં મેળવ્યો ત્રીજો ક્રમ!
અંજુમન-એ-ઈસ્લામ શાળાની માયાસરા બુખારીએ બનાવ્યા 'સ્માર્ટ એલર્ટ ગ્લાસીસ'; ડ્રાઇવરની ઘોર અકસ્માત અટકાવતી આ અનોખી શોધે ૭૦ દેશોના ૫,૦૦૦ થી વધુ પ્રોજેક્ટ્સને આપી માત

મુંબઈ : મુંબઈની શાળાની એક પ્રતિભાશાળી વિદ્યાર્થીનીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને મહારાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. અંજુમન-એ-ઈસ્લામની બેગમ શરીફા કાલસેકર ગર્લ્સ ઈંગ્લિશ હાઈસ્કૂલની વિદ્યાર્થીની માયાસરા બુખારીએ '૨૦૨૬ યુનેસ્કો ક્લબ્સ વર્લ્ડવાઈડ યુથ મલ્ટીમીડિયા' સ્પર્ધામાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કેટેગરીમાં વૈશ્વિક સ્તરે ત્રીજો પુરસ્કાર જીતી લીધો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિશ્વના ૭૦ થી વધુ દેશોમાંથી ૫,૦૦૦ થી પણ વધુ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સે ભાગ લીધો હતો, જેમાંથી માયાસરાના પ્રોજેક્ટને આ મોટું બહુમાન મળ્યું છે.
શું છે 'સ્માર્ટ એલર્ટ ગ્લાસીસ' ઇનોવેશન?
માયાસરાએ રોડ અકસ્માતના સૌથી મોટા કારણોમાંના એક એવા 'ડ્રાઇવરને આવતા ઝોકાં કે થાક'ની સમસ્યાને ઉકેલવા માટે "સ્માર્ટ એલર્ટ ગ્લાસીસ" (Smart Alert Glasses) તૈયાર કર્યા છે.
· આ ચશ્મામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વ્હીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
· જ્યારે પણ ડ્રાઇવરને ગાડી ચલાવતી વખતે ઊંઘ કે થાકના સંકેતો જણાય, ત્યારે આ ચશ્મા તેને તુરંત જ એલાર્મ કે ચેતવણી આપે છે, જેથી ગંભીર માર્ગ અકસ્માતો અટકાવી શકાય.
યુએસ ફેડરેશન ઓફ યુનેસ્કો દ્વારા સન્માન
માયાસરાની આ અદ્ભુત સિદ્ધિ બદલ 'યુએસ ફેડરેશન ઓફ યુનેસ્કો ક્લબ્સ' દ્વારા તેને આંતરરાષ્ટ્રીય પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે અને વર્ષ ૨૦૨૬ ના સત્તાવાર વૈશ્વિક વિજેતાઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર અંજુમન-એ-ઈસ્લામ સંસ્થામાંથી આ ગ્લોબલ એવોર્ડ જીતનારી તે એકમાત્ર વિદ્યાર્થીની બની છે.
'સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ': ડૉ. ઝહીર આઈ. કાઝી
અંજુમન-એ-ઈસ્લામના પ્રમુખ ડૉ. ઝહીર આઈ. કાઝીએ માયાસરાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, "૭૦ થી વધુ દેશોના હજારો સ્પર્ધકો વચ્ચે ભારતની દીકરીએ ત્રીજું સ્થાન મેળવ્યું તે સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે. માયાસરાનું આ ઇનોવેશન માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ તેનામાં ભવિષ્યમાં અસંખ્યા લોકોના જીવ બચાવવાની ક્ષમતા છે."
શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ફૌઝિયા અન્સારી અને પ્રોજેક્ટ મેન્ટર-શિક્ષિકા શ્રીમતી ગૌસિયા કુરેશીના યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહનને લીધે માયાસરાએ આ ગ્લોબલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેણે દેશના અનેક યુવાનોને STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને AI) ક્ષેત્રે આગળ વધવાની નવી પ્રેરણા પૂરી પાડી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
