તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
નર્મદાના નાંદોદના વરખડમાં મુંબઈ પોલીસનું મોટું ઓપરેશન : બંધ મકાનમાંથી નશાકારક પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો
પકડાયેલો આ નશાકારક પદાર્થ કયું કેમિકલ ડ્રગ છે તેની સત્તાવાર પુષ્ટિ અને ચોક્કસ વિગતો હવે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે

મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હાલમાં એક શખ્સ નશાકારક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો. મુંબઈ પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે ડ્રગ્સના આ કાળા કારોબારના તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારી કડી મળતા જ મુંબઈ પોલીસની ટીમ સમય ગુમાવ્યા વિના સીધી નર્મદા જિલ્લામાં ત્રાટકી હતી
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના બે શંકાસ્પદ શખ્સો મુંબઈની એક હોટલમાંથી સંદિગ્ધ હાલતમાં નશાકારક પદાર્થ સાથે પકડાયા હતા. કડક રહે તપાસ કરતાં આરોપીઓની કબૂલાતને આધારે મુંબઈ પોલીસ તાબડતોબ નર્મદા જિલ્લામાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસને માત્ર પ્રક્રિયાના ભાગરૂપે સાથે રાખીને નાંદોદના વરખડ ગામમાં કિલ્લાબંધી કરી દીધી હતી.
મુંબઈ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન બંધ મકાનમાંથી શંકાસ્પદ નશાકારક પદાર્થનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકચર્ચાઓ મુજબ આ આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત પદાર્થની કિંમત કરોડો રૂપિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, પકડાયેલો આ નશાકારક પદાર્થ કયું કેમિકલ ડ્રગ છે તેની સત્તાવાર પુષ્ટિ અને ચોક્કસ વિગતો હવે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે
મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસે વરખડ ગામના એ ચોક્કસ ઘરની આસપાસ સઘન નાકાબંધી કરી દીધી છે અને આગળની તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
