<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

મુંબઈ પોલીસનો સપાટો :એર ઈન્ડિયામાં નોકરી અપાવવાના  નામે છેતરપીંડી : દેહરાદૂનમાંથી 11 આરોપીઓની ધરપકડ 

કે આરોપીઓ નકલી કોલ સેન્ટર ચલાવી ખાનગી એરલાઇનમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા વસૂલતા

એર ઈન્ડિયામાં નોકરી અપાવવાના બહાને દેશભરના નોકરી શોધતા યુવકોને નિશાન બનાવતા એક મોટા છેતરપિંડી રેકેટનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ઉત્તરાખંડના દેહરાદૂનમાંથી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી કોલ સેન્ટર ચલાવી ખાનગી એરલાઇનમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા વસૂલતા હતા. આ કાર્યવાહી બાદ હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે અને તેનું નેટવર્ક કેટલા રાજ્યો સુધી ફેલાયેલું છે.

 

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના જણાવ્યા મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન કેટલાક લોકોએ તેને એર ઈન્ડિયામાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. કથિત ભરતી પ્રક્રિયાના નામે વિવિધ ફી અને ચાર્જિસ તરીકે આરોપીઓએ મહિલા પાસેથી આશરે 2.58 લાખ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ નોકરી તો મળી નહીં, પરંતુ આરોપીઓએ મહિલાના ફોન અને મેસેજીસનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું. છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં મહિલાએ માનખુર્દ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન છેતરપિંડીનું આખું નેટવર્ક ઉત્તરાખંડના દેહરાદૂનથી સંચાલિત થતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મુંબઈ પોલીસની વિશેષ ટીમે દેહરાદૂનમાં દરોડો પાડી ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે જ સ્થળ પરથી 9 લેપટોપ, 13 મોબાઇલ ફોન અને નકલી કોલ સેન્ટર ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા  અન્ય ઇલેક્ટ્રોનિક સાધનસામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ આકર્ષક નોકરીની ઓફર આપી ઉમેદવારોનો વિશ્વાસ જીતતા અને પછી નોંધણી, ટ્રેનિંગ, દસ્તાવેજ ચકાસણી અને અન્ય બહાનાઓ હેઠળ પૈસા વસૂલતા હતા. પોલીસ હવે બેંક ટ્રાન્ઝેક્શન, કોલ રેકોર્ડ અને ડિજિટલ પુરાવાઓની મદદથી સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. સાથે જ અન્ય રાજ્યોમાં પણ આ ગેંગના શિકાર બનેલા લોકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે નોકરી શોધતા યુવાનોને અપીલ કરી છે કે કોઈપણ કંપનીમાં ભરતી માટે પૈસા માંગવામાં આવે તો તેની સત્તાવાર રીતે ચકાસણી કર્યા વગર કોઈ રકમ ટ્રાન્સફર ન કરે અને શંકાસ્પદ કોલ અથવા ઓફર અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે

(2:13 PM IST)