તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઝુંબેશ :કુખ્યાત ડ્રગ તસ્કર ઈકબાલ શેખને યરવડા જેલમાં ધકેલ્યો
પીઆઈટી-એનડીપીએસ એક્ટ’ હેઠળ એક વર્ષ માટે પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં મોકલાયો :આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે એક મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની વરલી યુનિટે કુખ્યાત ડ્રગ સ્મગલર ઈકબાલ મોહમ્મદ અલી શેખને ‘પીઆઈટી-એનડીપીએસ એક્ટ’ (PIT-NDPS Act) હેઠળ એક વર્ષ માટે પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં નજરકેદ કર્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મુંબઈના ધારાવી વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય આરોપી ઈકબાલ શેખ વિરુદ્ધ અગાઉથી જ એનડીપીએસ એક્ટ હેઠળ ૮ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ ઘણી વખત પકડાઈ ચૂક્યો હતો, પરંતુ કોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવતાની સાથે જ તે ફરીથી ડ્રગ્સની હેરાફેરી અને સ્મગલિંગના ધંધામાં સક્રિય થઈ જતો હતો. તેની આ ગુનાહિત માનસિકતા અને સમાજ માટે ખતરો બનેલી પ્રવૃત્તિઓને રોકવા માટે વરલી યુનિટે કાયદાના કડક શસ્ત્રનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.
આરોપીના સતત ગુનાહિત રેકોર્ડ અને વારંવાર ગુનો કરવાની આદતને ધ્યાનમાં રાખીને, એન્ટી નાર્કોટિક્સ સેલે તેની સામે પ્રિવેન્શન ઓફ ઈલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૮ (PIT-NDPS) હેઠળ એક વિશેષ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ દરખાસ્તને મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ, ૨૪ મે ૨૦૨૬ના રોજ પોલીસ ટીમે આરોપીને કસ્ટડીમાં લઈ, ટ્રાયલ વિના જ સીધો એક વર્ષ માટે પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. આ કાયદો આદતવશ ગુનેગારોને જામીનનો દુરુપયોગ કરતા રોકવા માટે અમોઘ શસ્ત્ર સમાન છે.
મુંબઈ પોલીસના રેકોર્ડ મુજબ, ઈકબાલ શેખ સામે ધારાવી, સાકીનાકા અને એએનસી યુનિટમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. ચાલુ વર્ષ ૨૦૨૬માં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા આ કાયદા હેઠળ કરવામાં આવેલી આ સાતમી મોટી કાર્યવાહી છે. આ અગાઉ પણ જામીન પર બહાર આવીને ફરી ડ્રગ્સ વેચતા ૬ આરોપીઓને આ જ રીતે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી અને જોઈન્ટ સીપી અનીલ કુંભારે સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વરલી યુનિટની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
