તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
મુંબઈ પોલીસની દાદાગીરી કે લોકશાહી પર હુમલો? '૫૦ ગ્રામ ડ્રગ્સ મૂકીને જિંદગી બરબાદ કરી દઈશ'— CJP પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ધમકાવનાર પોલીસકર્મી સામે મોટી કાર્યવાહી!
વાયરલ વીડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: કોંગ્રેસે પોલીસ પ્રશાસન પર કર્યા આકરા પ્રહારો, વિવાદ વધતાં પોલીસકર્મી સસ્પેન્ડ

મુંબઈ, તા.૨૩: આર્થિક રાજધાની મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આંદોલનમાં આંદોલનકારી વિદ્યાર્થીઓને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ખુલ્લેઆમ ધમકી આપતો એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ મુંબઈ પોલીસની કાર્યપ્રણાલી અને લોકશાહી અધિકારો પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપી ધમકી આપનાર પોલીસકર્મીને તેની પોસ્ટ પરથી હટાવી દીધો છે.
'તારી બેગમાં ૫૦ ગ્રામ પાવડર નાખીશ અને જિંદગી ખતમ કરી દઈશ'
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્રદર્શન સ્થળેથી અટકાયત કરાયેલા કેટલાક યુવાનો પોલીસ વાનમાં બેઠા છે. વાનની આગળની સીટ પર બેઠેલો ગણવેશધારી પોલીસકર્મી યુવાનોને ચેતવણી આપતા અને ધમકાવતા કહી રહ્યો છે, "જો તમે ફરીથી આ વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા, તો હું તમારી જિંદગી બરબાદ કરી દઈશ."
પોલીસકર્મી આગળ ધમકી આપતા કહે છે, "હું તમારી દરેકની બેગમાં ૫૦-૫૦ ગ્રામ પાવડર (ડ્રગ્સ) મૂકી દઈશ, અને તારું આખું ભવિષ્ય અને જિંદગી જેલમાં જ પૂરી થઈ જશે." આટલું જ નહીં, તેણે વિદ્યાર્થીઓ પર આક્ષેપ કર્યો હતો કે તેમના વિરોધ પ્રદર્શનોના કારણે પોલીસનું જીવન મુશ્કેલ બની ગયું છે.
કોંગ્રેસે ખખડાવ્યું શાસન: 'આ લોકશાહી અધિકારો પર સીધો હુમલો'
મુંબઈ કોંગ્રેસે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર શેર કરીને રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા કહ્યું કે, "વિરોધ કરનારા વિદ્યાર્થીઓને ખોટા કેસમાં ફસાવવાની અને જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપવી એ અત્યંત નિંદનીય છે. અવાજ ઉઠાવવો અને પ્રદર્શન કરવું એ લોકશાહીમાં નાગરિકનો અધિકાર છે, કોઈ ગુનો નથી. વિદ્યાર્થીઓની માંગણીઓ અને પ્રશ્નોના જવાબ ધમકીઓ આપવાને બદલે જવાબદારીથી આપવા જોઈએ."
તપાસના આદેશ અને પોલીસનું ડિજિટલ ટ્રેકિંગ
આ સમગ્ર મામલે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી સંબંધિત પોલીસકર્મીને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે.
બીજી તરફ, મુંબઈના શિવાજી પાર્ક, ચેમ્બુર અને આઝાદ મેદાન જેવા મુખ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોનો રોષ ચાલુ છે. પોલીસ હવે વિરોધ પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે ડિજિટલ ટ્રેકિંગ, વ્હોટ્સએપ પર 'લાઈવ લોકેશન' મંગાવવા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૫(૩) હેઠળ ડિજિટલ નોટિસો મોકલીને તપાસ તેજ કરી રહી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
