<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મુંબઈ પોલીસની માનવતા: ડોક્ટર બનવાનું સપનું તૂટતા રસ્તા પર ભીખ માંગવા મજબૂર યુવકની પોલીસ બની સહારો

આર્થિક તંગીના કારણે NEETની તૈયારી છોડી ભીખ માંગતા યુવકને જોઈ પોલીસનું દિલ પીગળ્યું, નોકરી અપાવી નવું જીવન આપ્યું: ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદનાનું ઉદાહરણ

મુંબઈ, તા. 23 : મુંબઈ પોલીસે ફરી એકવાર પોતાની માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડોક્ટર બનવાનું સપનું તૂટી જતા અને આર્થિક તંગીના કારણે રસ્તા પર ભીખ માંગવા મજબૂર બનેલા એક યુવકની મુંબઈ પોલીસે મદદ કરી તેને નવું જીવન આપ્યું છે. 

 

મળતી માહિતી મુજબ મૂળ બિહારનો 22 વર્ષીય યુવક ડોક્ટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. તે NEETની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ પરિવારની ખરાબ આર્થિક સ્થિતિ અને પિતાના અવસાન બાદ તેની પરિસ્થિતિ વધુ કફોડી બની ગઈ. ફી ભરી ન શકવાના કારણે તેણે ભણતર છોડવું પડ્યું અને પેટ ભરવા માટે મુંબઈના એક વિસ્તારમાં ભીખ માંગવા મજબૂર બન્યો હતો. 

 

દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓની નજર આ યુવક પર પડી. યુવક ભણેલો-ગણેલો લાગતા પોલીસે તેની પૂછપરછ કરી. યુવકે પોતાની આપવીતી જણાવતા પોલીસ કર્મચારીઓનું દિલ પીગળી ગયું. પોલીસે તરત જ માનવતાનું ઉદાહરણ આપતા યુવકને ભીખ માંગવાનું બંધ કરાવ્યું. 

 

પોલીસે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને યુવક માટે એક ખાનગી કંપનીમાં નોકરીની વ્યવસ્થા કરાવી આપી. સાથે જ તેના રહેવાની પણ સગવડ કરી આપી. પોલીસની આ મદદથી યુવક હવે સન્માનભેર જીવન જીવી શકશે અને પોતાના પગ પર ઉભો થઈ શકશે. 

 

મુંબઈ પોલીસના આ કાર્યની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે ખાખી વર્દી માત્ર કાયદાનું રક્ષણ જ નથી કરતી, પરંતુ સમય આવે ત્યારે માનવતાનો ધર્મ પણ નિભાવે છે. આ ઘટનાએ ફરી સાબિત કર્યું કે પોલીસ પ્રજાની સાચી મિત્ર છે.

(4:17 PM IST)