તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ પુણે રેલવે સ્ટેશને પાટા પરથી ઉતરી : સદનસીબે જાનહાનિ ટળી
યાર્ડ રિમોડેલિંગની કામગીરી દરમિયાન ડાયમંડ ક્રોસિંગ પાસે ચોથા કોચની ટ્રોલી ખડી પડી : મુસાફરોની વૈકલ્પિક ટ્રેન દ્વારા રવાના કરવાની વ્યવસ્થા કરાઈ

પુણે:મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી સોલાપુર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમવારે સાંજે પુણે રેલવે સ્ટેશનમાં પ્રવેશતી વખતે દુર્ઘટનાનો શિકાર બની હતી. પ્લેટફોર્મ પર પ્રવેશતા સમયે ડાયમંડ ક્રોસિંગ પાસે ટ્રેનના ચોથા કોચની એક ટ્રોલી પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. સાંજે અંદાજે ૭:૩૦ વાગ્યે બનેલી આ ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
રિમોડેલિંગની કામગીરી વચ્ચે સર્જાયો અકસ્માત:
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુણે સ્ટેશન પર અત્યારે યાર્ડ રિમોડેલિંગ અને ક્રોસિંગ અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન જ ડાયમંડ ક્રોસિંગ પરથી પસાર થતી વખતે વંદે ભારત એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનની ગતિ ધીમી હોવાથી મોટી હોનારત ટળી હતી અને કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી.
મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા:
દુર્ઘટનાના સમાચાર મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાટા પરથી ઉતરેલા કોચને ફરીથી પાટા પર લાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. અકસ્માતને કારણે ટ્રેન અધવચ્ચે અટવાઈ પડતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અન્ય રેક (વૈકલ્પિક ટ્રેન) ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ તેમની મુસાફરી આગળ વધારી શકે. આ ઘટનાને કારણે પુણે સ્ટેશનના અન્ય ટ્રેન વ્યવહાર પર આંશિક અસર પડી હતી, જેને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
