તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 25th June 2026
મુંબઈમાં આભ ફાટ્યું ને આફત આવી: ચોમાસાની શરૂઆતમાં જ ૧૧૩ વૃક્ષો ધરાશાયી, BMC એ નાગરિકોને કરી ખાસ અપીલ– "ભારે વરસાદમાં ભૂલથી પણ ઝાડ નીચે ન ઊભા રહેતા!"
પ્રી-મોન્સૂન કામગીરી છતાં જોખમ યથાવત; વાહનો પણ વૃક્ષો નીચે પાર્ક ન કરવા તંત્રની કડક ચેતવણી, કોઈપણ જોખમી વૃક્ષ દેખાય તો હેલ્પલાઈન ૧૯૧૬ પર સંપર્ક કરવા જણાવાયું

મુંબઈ : માયાનગરી મુંબઈમાં ચોમાસાએ ધમાકેદાર અને રૌદ્ર સ્વરૂપે એન્ટ્રી કરી લીધી છે. મંગળવાર રાતથી જ શરૂ થયેલા અનરાધાર અને ભારે વરસાદે મુંબઈગરાઓની મુશ્કેલીઓમાં ભારે વધારો કર્યો છે. આ ચોમાસાની શરૂઆતના ગણતરીના કલાકોમાં જ શહેરમાં વૃક્ષો અને તેની ભારે ડાળીઓ તૂટી પડવાની અધધધ... ૧૧૩ ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈના રહેવાસીઓ માટે એક તાકીદની જાહેર એડવાઈઝરી (સલાહ) જારી કરી છે અને ભારે વરસાદ કે તોફાની પવન દરમિયાન વૃક્ષોથી દૂર રહેવાની કડક સૂચના આપી છે.
જોખમ સંપૂર્ણપણે ટાળવું અશક્ય, તકેદારી એ જ સલામતી
BMC ના ગાર્ડન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસા પહેલા સમગ્ર શહેરમાં સર્વેક્ષણ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી જોખમી વૃક્ષોની કાપણી (છાંટીંગ) કરવામાં આવી હતી, જેથી અકસ્માતો રોકી શકાય. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યારે ભારે પવન સાથે મુસળધાર વરસાદ પડે છે, ત્યારે ગમે તેટલી કાળજી રાખી હોય તો પણ વૃક્ષો ઉખડી જવાનું કે તેની ડાળીઓ તૂટી પડવાનું જોખમ સો ટકા દૂર કરી શકાતું નથી. આથી, નાગરિકોની સુરક્ષા માટે તંત્રએ અપીલ કરી છે કે વરસાદી વાવાઝોડા દરમિયાન કોઈએ પણ ઝાડ નીચે આશરો લેવો નહીં અને પોતાના કિંમતી વાહનો પણ વૃક્ષો નીચે પાર્ક કરવા નહીં.
મુંબઈમાં ઠેર-ઠેર લાગ્યા ચેતવણીના બોર્ડ
લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે માટે BMC એ મુંબઈ શહેર સહિત પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો (Suburbs) ના તમામ મુખ્ય વિસ્તારોમાં જાહેર સલાહ અને માહિતી આપતા હોર્ડિંગ્સ અને બોર્ડ લગાવી દીધા છે.
જોખમી વૃક્ષ દેખાય તો તરત કરો આ નંબર પર કોલ
મુંબઈના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું છે કે, જો કોઈ નાગરિકને તેમના રહેણાંક સંકુલ, હાઉસિંગ સોસાયટી અથવા રસ્તાના કિનારે કોઈ વૃક્ષ જોખમી કે નમેલું દેખાય, તો તેમણે તાત્કાલિક સંબંધિત વોર્ડ ઓફિસમાં અથવા મ્યુનિસિપલ હેલ્પલાઇન નંબર ૧૯૧૬ (1916) પર ગાર્ડન વિભાગને જાણ કરવી. આ ઉપરાંત તેમણે તમામ પ્રાઈવેટ હાઉસિંગ સોસાયટીઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના કમ્પાઉન્ડમાં રહેલા જોખમી વૃક્ષોની સમયસર અને જરૂરી મંજૂરી લઈને કાપણી કરાવી લે, જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
