<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મુંબઈ પર જળસંકટના વાદળો: તળિયા વગરના જળાશયો અને તરસ્યું મહાનગર

મુંબઈમાં પાણીના સાતેય મુખ્ય સ્ત્રોતમાં જથ્થો ૧૦% થી પણ નીચે સરક્યો: જુલાઈ મહિનામાં આકરા પાણીકાપની આશંકા વચ્ચે તંત્ર એક્શન મોડમાં અને નાગરિકો ચિંતાતુર

 મુંબઈ : મુંબઈની રફતાર પર ક્યારેય બ્રેક નથી લાગતી, પણ આ વખતે પ્રકૃતિની કસોટી માયાનગરીને થંભાવી દે તેવી દહેશત વર્તાઈ રહી છે. શહેરને આખું વર્ષ તરસ છિપાવતા સાત મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ઘટીને માત્ર ૯.૭% જ રહી ગયું છે, જે આગામી સમય માટે રેડ એલર્ટ સમાન છે. જો જૂનના બાકીના દિવસોમાં મેઘરાજા મન મૂકીને નહીં વરસે, તો જુલાઈની શરૂઆતથી જ મુંબઈગરાઓએ ભારે પાણીકાપનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે ચોમાસાના આગમન સાથે જે મુંબઈ હરખાઈ ઉઠતું હતું, તે જ મુંબઈ આજે આકાશ તરફ મીટ માંડીને બેઠું છે.

હાલમાં જ શહેરમાં ૧૦% પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બીએમસી (BMC) રાજ્ય સરકારના અનામત જથ્થાનો આશરો લઈ રહી છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજીત બાંગરના જણાવ્યા મુજબ, અત્યારનો જથ્થો માંડ ૨૦ ઓગસ્ટ સુધી ચાલે તેમ છે. જો કે, અસલી ચિંતા 'અલ નીનો'ની અસરને લઈને છે. જો આગામી ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે, તો જળાશયોનું પાણી ઝડપથી વરાળ બનીને ઊડી જશે, જે વર્ષ ૨૦૦૯ ના ભયાનક જળસંકટની યાદ અપાવી શકે છે જ્યારે મહિનાઓ સુધી મુંબઈ તરસ્યું રહ્યું હતું.

આ ગંભીર કટોકટી વચ્ચે વિપક્ષી નેતાઓ અને કાઉન્સિલરોએ પણ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ઈમરજન્સી પ્લાનની માંગ કરી છે. સરકારે પણ ભવિષ્યની ચિંતા કરતા BMCને એક મજબૂત અને લાંબાગાળાનો 'વોટર મેનેજમેન્ટ રોડમેપ' તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ માત્ર ચાલુ વર્ષની કટોકટી જ નહીં, પરંતુ ઓગસ્ટ ૨૦૨૭ સુધી મુંબઈની પાણીની સુરક્ષા અકબંધ રહે તેવું આયોજન કરવામાં આવશે. તંત્ર ભલે જુલાઈમાં સારા વરસાદની આશા રાખીને બેઠું હોય, પણ હાલ પૂરતું તો દરેક મુંબઈગરાએ પાણીના એક-એક ટીપાનો હિસાબ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

(10:04 PM IST)