તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 27th May 2026
મુંબઈગરાઓની ધીરજની કસોટી: ચોમાસાની રાહ અને કાળઝાળ ગરમી વચ્ચે હજુ પણ વરસાદ માટે કરવી પડશે વધુ થોડા દિવસ પ્રતીક્ષા
હવામાન વિભાગનું 'હીટવેવ' એલર્ટ યથાવત: 31 મે સુધી વરસાદની કોઈ આશા નથી, ગરમી અને ભેજથી લોકો પરેશાન; જાણો ક્યારે દસ્તક આપશે મેઘરાજા?

મુંબઈ : આર્થિક રાજધાની મુંબઈમાં આ વર્ષે મે મહિનાના અંતિમ દિવસો લોકો માટે ભારે ગરમી અને અકળાવનારા ભેજનું કારણ બન્યા છે. મુંબઈગરાઓ જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે હજુ પણ થોડે દૂર જણાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 31 મે સુધી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારો ફરી એકવાર ગરમીના મોજાની ઝપેટમાં આવી ગયા છે.
ગરમીનું તાંડવ: પારો 38° સેલ્સિયસને પાર
મુંબઈના કોલાબા વેધશાળામાં નોંધાયેલ મહત્તમ તાપમાન ૩૫.૨° સેલ્સિયસ હોવા છતાં, શહેરના કેટલાક વિસ્તારો જેવા કે રામ મંદિર (ઓશિવારા) માં તાપમાન ૩૮.૭° સેલ્સિયસ અને ભાયખલામાં ૩૭.૮° સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. IMD એ થાણે, પાલઘર અને રાયગઢ સહિત મુંબઈ માટે 'હીટવેવ' અને 'ગરમ-ભેજવાળી સ્થિતિ'નું યલો એલર્ટ જાહેર કર્યું છે. આકાશ આંશિક વાદળછાયું રહેવા છતાં વરસાદ ન પડવાથી લોકોના પરસેવો છૂટી રહ્યો છે.
ચોમાસું ક્યારે પહોંચશે મુંબઈ?
IMD મુંબઈના ડિરેક્ટર બિક્રમ સિંહે સ્પષ્ટતા કરી છે કે કેરળમાં ચોમાસાના આગમનમાં થયેલો વિલંબ મુંબઈ પર પણ અસર કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) માં 4 થી 5 જૂન સુધી વરસાદ પડવાની શક્યતા છે. જોકે, મહારાષ્ટ્રના આંતરિક ભાગો જેવા કે પુણે, કોલ્હાપુર, સતારા, સોલાપુર અને મરાઠવાડાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને વાવાઝોડું જોવા મળી રહ્યું છે, પરંતુ મુંબઈગરાઓએ હજુ પણ એક અઠવાડિયું ગરમીની આ અકળામણ સહન કરવી પડશે.
તંત્રની સલાહ અને સ્થિતિ
હવામાન વિભાગની ચેતવણી મુજબ આગામી 48 કલાક દરમિયાન તાપમાન ૩૫° સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે. સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને બપોરના સમયે ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસાના વિલંબને લીધે મુંબઈની લાઈફલાઈન સમાન વરસાદ માટે હવે જૂન મહિનાના પ્રથમ સપ્તાહ પર સૌની મીટ મંડાયેલી છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
