તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
મુંબઈની હવા બની ઝેરી: ચોમાસાની વિદાયની સાથે જ માત્ર એક સપ્તાહમાં દુનિયાનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું, એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૬૬ ને પાર
શહેરમાં સ્મોગ અને પ્રદૂષિત કણોનું સામ્રાજ્ય છવાતા નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો; BMC દ્વારા નિયંત્રણ માટેના પ્રયાસો તેજ.

મુંબઈ, તા.21: દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી હવાના પ્રદૂષણને લઈને એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની વિદાયની સાથે જ મુંબઈમાં હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ સંસ્થા 'IQAir' ના તાજા વૈશ્વિક રેન્કિંગ મુજબ, મુંબઈ માત્ર એક જ અઠવાડિયામાં દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પાંચમા ક્રમેથી ઉછળીને સીધું ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. પ્રદૂષણનું આ સ્તર નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી સમાન સાબિત થઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં હવાની ગુણવત્તા સતત કથળવાને કારણે ચારેય બાજુ ધુમાડો અને ધુમ્મસ (Smog) નું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ પ્રદૂષણને કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને સામાન્ય નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તથા ગળાના ઇન્ફેક્શન જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ સતાવી રહી છે. આ સિવાય બપોરના સમયે મે મહિના જેવી આકરી ગરમી અને સાંજ સુધી રહેતો ઉકળાટ વાતાવરણને વધુ અસાધારણ બનાવી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે ૧૨૨ પ્રમુખ શહેરોના સર્વેક્ષણમાં મુંબઈનો સરેરાશ AQI ૧૬૬ નોંધાયો છે, જે 'બિનઆરોગ્યપ્રદ' (Unhealthy) શ્રેણી તરફ આગળ વધી રહ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) ની ‘સમીર ઍપ’ મુજબ, મુંબઈ અને ઉપનગરોના ૨૬ મોનિટરિંગ સ્ટેશનો પૈકી ૧૩ સ્ટેશનો પર હવાની ગુણવત્તા મધ્યમથી અત્યંત નબળી કેટેગરીમાં નોંધાઈ છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે નેવી નગર (કુલાબા) માં ૧૬૧, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં ૧૪૯, દેવનારમાં ૧૪૬ અને બાંદ્રા પૂર્વમાં ૧૪૧ જેટલો ઊંચો AQI નોંધાયો છે.
હવામાન નિષ્ણાતો અને પર્યાવરણશાસ્ત્રીઓના મતે આ પ્રદૂષણ પાછળ પેસિફિક મહાસાગરમાં સક્રિય 'અલ નીનો' અને સ્થાનિક હવામાન જવાબદાર છે. ચોમાસું પૂરું થયા બાદ દરિયાઈ પવનની ગતિ એકદમ મંદ પડી જવાથી એર સરક્યુલેશન અટકી ગયું છે, જેના લીધે વાહનોનો ધુમાડો અને બાંધકામની ધૂળ વાતાવરણના નીચલા સ્તરમાં જ જમા થઈ જાય છે. બીજી તરફ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) નું કહેવું છે કે ખાનગી એજન્સીઓ અને સરકારી મોનિટરિંગ પદ્ધતિઓ અલગ હોય છે, છતાં પાલિકા દ્વારા બાંધકામ સ્થળો પર ગાઇડલાઇન્સનું પાલન અને રસ્તાઓ પર પાણી છંટકાવ કરવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
