<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

મુંબઈમાં તંત્રની પોલ ખુલી: મેયર લાઈવ કેમેરા સામે કચરાના નિકાલની વાતો કરતા રહ્યા અને પાછળ જ ખુલ્લા ગટરમાં ખાબક્યો સફાઈ કર્મચારી; રૂવાડાં ઊભા કરતો વીડિયો વાયરલ

મેયર રીતુ તાવડેએ રોષે ભરાઈને અધિકારીઓને સસ્પેન્શનની આપી કડક ચેતવણી; આદિત્ય ઠાકરેએ કહ્યું - "સરકારે પંપ અને હોલ્ડિંગ ટાંકીઓ ચલાવવામાં પણ કરી નાકામી"

મુંબઈ : આર્થિક રાજધાની મુંબઈમાં આ વર્ષે ચોમાસું લગભગ બે અઠવાડિયા મોડું પડ્યું છે, પરંતુ પહેલા જ ધોધમાર વરસાદે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના પ્રી-મોન્સૂન કામોના તમામ દાવાઓની ધજ્જિયાં ઉડાવી દીધી છે. રાતોરાત પડેલા ભારે વરસાદના કારણે આખું શહેર પાણીમાં ડૂબી ગયું છે, ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો છે અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બુધવારે સવારે ગ્રાઉન્ડ લેવલના નિરીક્ષણ દરમિયાન એક એવી કમકમાટીભરી ઘટના ઘટી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી તંત્ર આખું ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.
બન્યું એવું કે, મુંબઈના મેયર રીતુ તાવડે ભારે વરસાદ વચ્ચે જમીની હકીકત જાણવા અને અધિકારીઓ સાથે પાણીના નિકાલની યોજના સમજાવવા પહોંચ્યા હતા. મેયર જ્યારે મીડિયા અને અધિકારીઓ સામે બીએમસીના એક્શન પ્લાનની વાતો કરી રહ્યા હતા, બરાબર તે જ સમયે તેમની પાછળ ઊભેલો એક સફાઈ કર્મચારી અચાનક સંતુલન ગુમાવવાને કારણે લાઈવ કેમેરાની સામે જ ખુલ્લા મેનહોલ (ગટર) માં સીધો ખાબક્યો હતો! મેયરની નજર સામે ઘટેલી આ ભયાનક ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ગુસ્સે ભરાયેલા મેયરે આપી સસ્પેન્શનની સીધી ધમકી
પોતાની નજર સામે જ બનેલી આ દુર્ઘટનાને કારણે મેયર રીતુ તાવડે ભારે રોષે ભરાયા હતા. તેમણે સ્થળ પર હાજર ઇજનેરો અને વરિષ્ઠ અધિકારીઓનો ઉધડો લીધો હતો. મેયરે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, "જો હવે પછી મુંબઈના રસ્તાઓ પર ક્યાંય પણ કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળશે, તો તે વોર્ડના જવાબદાર અધિકારીને કોઈ પણ જાતની કારણદર્શક નોટિસ આપ્યા વગર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે." જોકે, બાદમાં તેમણે ખુલાસો કર્યો હતો કે કચરો સાફ કરવા માટે જ તે મેનહોલનું કવર હટાવવામાં આવ્યું હતું અને ત્યાં બેરિકેડ પણ હતા. તેમણે મુંબઈકર્સને અપીલ કરી છે કે તેઓ આવી જગ્યાએ સાવચેતી રાખે અને નોટિસો વાંચે.
ચોમાસાના પાણી પર મુંબઈમાં રાજકારણ ગરમાયું
બીજી તરફ, આ અકસ્માત અને પાણી ભરાવાની સ્થિતિ બાદ મુંબઈના રાજકારણમાં પણ ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ શાસક મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ભાજપના નેતૃત્વવાળી આ સરકારે બીએમસીના ફંડનો દુરુપયોગ કર્યો છે. અમારી પાછલી મહા વિકાસ આઘાડી સરકારની સલાહને અવગણીને તેઓ વરસાદી પાણીના સંગ્રહ માટે યોગ્ય ટાંકીઓ અને પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં નિષ્ફળ રહ્યા છે."
આદિત્ય ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે, ૨૦૨૦ અને ૨૦૨૨ ની વચ્ચે અમે હિંદ માતા, ગાંધી માર્કેટ અને મિલાન સબવેમાં આવી અદભુત ડ્રેનેજ સિસ્ટમ બનાવીને પાણી ભરાવાની સમસ્યા હલ કરી બતાવી હતી. પરંતુ વર્તમાન શાસકો એટલા નાકામ છે કે તેઓ પંપ અને હોલ્ડિંગ ટાંકીઓ પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી, જેના કારણે આજે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

(6:44 PM IST)