તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
મુંબઈના નવનિર્મિત વિદ્યાવિહાર બ્રિજનું નામકરણ વિવાદમાં: નાના પાટેકર કે કેપ્ટન સ્મિત મચ્છાર? શિવસેના (UBT) અને ભાજપ સામસામે
૬૫૦ મીટર લાંબા આ મહત્વકાંક્ષી બ્રિજના ઉદ્ઘાટન પૂર્વે જ રાજકીય ગરમાવો; એકતરફ અભિનેતાનું નામ તો બીજીતરફ હાઈજેકિંગ નિષ્ફળ બનાવનાર વીર પાયલોટના નામની માંગ

મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા નવનિર્મિત વિદ્યાવિહાર ફ્લાયઓવર બ્રિજનું વાહનવ્યવહાર માટે ઉદ્ઘાટન થાય તે પહેલાં જ તેના નામકરણને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. એક તરફ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષ દ્વારા આ પુલનું નામ પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરના નામ પર રાખવાની માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય પરાગ શાહે આ બ્રિજને વિમાન હાઈજેકિંગ નિષ્ફળ બનાવનાર જાંબાઝ કમર્શિયલ પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છારનું નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
શિવસેના (UBT) નો નાના પાટેકરના નામ માટે આગ્રહ
તાજેતરમાં શિવસેના (UBT) ના નેતાઓના એક પ્રતિનિધિ મંડળે મુંબઈના મેયર રિતુ તાવડે સાથે મુલાકાત કરીને એક પત્ર સોંપ્યો હતો, જેમાં આ પુલનું નામ ‘પદ્મશ્રી નાના પાટેકર સેતુ’ રાખવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત પક્ષના કાર્યકરો દ્વારા વિદ્યાવિહાર બ્રિજ પર આ અંગેના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. નાના પાટેકરે અભિનય ક્ષેત્રે દેશનું નામ રોશન કરવાની સાથે નામ્દેવ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતો માટે સામાજિક ક્ષેત્રે મોટું પ્રદાન આપ્યું હોવાનું કારણ દર્શાવી તેમની આ માંગણી વ્યાજબી ઠેરવવામાં આવી છે.
ભાજપનો વીર પાયલોટ સ્મિત મચ્છારના નામે પ્રસ્તાવ
બીજી તરફ ભાજપના ધારાસભ્ય પરાગ શાહે મહાનગરપાલિકાના સત્તાવાળાઓ સમક્ષ કેપ્ટન સ્મિત મચ્છારનું નામ આપવાની લેખિત રજૂઆત કરી હતી. કેપ્ટન સ્મિત મચ્છારે તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ'ની ફ્લાઈટમાં હિંસક હાઈજેકિંગનો પ્રયાસ પોતાના શૌર્ય અને સૂઝબૂઝથી નિષ્ફળ બનાવીને અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા. વૈશ્વિક સ્તરે હીરો તરીકે ઉભરી આવેલા સ્મિત મચ્છારના સાહસને સન્માનિત કરવા આ બ્રિજનું નામ તેમના નામે રાખવું જોઈએ તેવો ભાજપનો પક્ષ છે.
રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ
આ વિવાદ અંગે મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ગૃહનેતા ગણેશ ખાનકરે શિવસેના (UBT) પર રાજકીય શ્રેય લેવાનો અને વિનાકારણ વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે. ગણેશ ખાનકરે જણાવ્યું હતું કે, "નાના પાટેકર દેશના અત્યંત પ્રતિભાશાળી અભિનેતા છે, પરંતુ તેમના સન્માન માટે કોઈ મોટા થિયેટર કે નાટ્યગૃહ સંકુલનું નામ તેમના નામે રાખવું વધુ યોગ્ય રહેશે, બ્રિજનું નામ નહીં."
વિદ્યાવિહાર બ્રિજની મુખ્ય વિશેષતાઓ:
લંબાઈ અને કનેક્ટિવિટી: લાંબા સમયથી પ્રતિક્ષિત આ બ્રિજ ૬૫૦ મીટર લાંબો અને બે લેન ધરાવે છે. તે પૂર્વમાં રામચંદ્ર કેમ્બુરકર માર્ગને પશ્ચિમમાં ઘાટકોપરના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ સાથે જોડે છે.
રેલવે ટ્રેક પરનો ભાગ: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અનુસાર, આ ફ્લાયઓવરનો ૧૦૦ મીટરનો હિસ્સો વિદ્યાવિહાર રેલવે સ્ટેશનના ટ્રેક પરથી પસાર થાય છે.
ઍપ્રોચ રોડ: બ્રિજ પર પહોંચવા માટે પૂર્વ તરફ ૨૨૦ મીટર અને પશ્ચિમ તરફ ૩૩૦ મીટર લાંબા એપ્રોચ રોડ તૈયાર કરવામાં આવ્યા છે.
અન્ય સુવિધાઓ: આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનના ફૂટપાથ સાથે જોડાતા રસ્તા, ટિકિટ બુકિંગ ઓફિસનું નવેસરથી નિર્માણ, સ્ટેશન માસ્ટરની ઓફિસ અને નવી સીડીઓનું પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
