તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
મુંબઈના રસ્તાઓ પર હવે ગુંજશે ‘માઝી મરાઠી’: રિક્ષા-ટેક્સી ચાલકો માટે ભાજપ-શિવસેનાનું મેગા મિશન, ભાષા નહીં શીખનારની મુશ્કેલી વધશે
મરાઠી અસ્મિતાને ધાર આપવા સત્તાધારી પક્ષો મેદાને: ૨૦૦ પાનાના થોથાને બદલે માત્ર બે પેજની બુકલેટથી ચાલકોને અપાશે ટ્રેનિંગ, ૧૫ ઓગસ્ટ સુધીમાં ‘મરાઠી બોલો’નું અલ્ટીમેટમ

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં વસતા બિન-મરાઠી રિક્ષા અને ટેક્સી ચાલકો માટે હવે મરાઠી ભાષા શીખવી અનિવાર્ય બની ગઈ છે. રાજ્ય સરકારના આદેશ મુજબ, આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં તમામ ચાલકોએ મુસાફરો સાથે મરાઠીમાં સંવાદ કરવો પડશે. આ હેતુને સિદ્ધ કરવા માટે ભાજપ ટ્રાન્સપોર્ટ વિંગ અને શિંદે જૂથની શિવસેના દ્વારા સંયુક્ત રીતે 'મરાઠી શીખો અભિયાન' તેજ કરવામાં આવ્યું છે. બાન્દ્રા વિસ્તારમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાલકોને મરાઠી ભાષાના સન્માન સાથે વ્યવહાર કરવાની શપથ લેવડાવવામાં આવી હતી.
ચાલકોને ભાષા શીખવામાં સરળતા રહે તે માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ભાજપ ટ્રાન્સપોર્ટ વિંગના અધ્યક્ષ હાજી અરાફત શેખના જણાવ્યા મુજબ, અગાઉના ૨૦૦ પાનાના અઘરા પુસ્તકને સ્થાને હવે માત્ર બે પાનાની ખાસ બુકલેટ તૈયાર કરાઈ છે. આ ગાઈડમાં રોજિંદા જીવનમાં વપરાતા સરળ મરાઠી શબ્દો અને વાક્યોનો સમાવેશ કરાયો છે, જેથી અન્ય ભાષી ચાલકો મુંબઈની સ્થાનિક ભાષામાં ઝડપથી નિપુણ બની શકે. સરકાર અત્યારે દંડ ફટકારવાને બદલે ચાલકોને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકી રહી છે.
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ અભિયાનને રાજકીય મુદ્દાને બદલે મરાઠી સંસ્કૃતિની જાળવણીનો પ્રયાસ ગણાવ્યો છે. ચાલકો તરફથી પણ આ ઝુંબેશને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણાએ મરાઠી શીખવાની શરૂઆત પણ કરી દીધી છે. ૧ મેથી અમલી બનેલા આ નિયમ બાદ હવે જોવાનું એ રહેશે કે સ્વતંત્રતા દિવસ સુધીમાં મુંબઈના રસ્તાઓ પર મરાઠી ભાષાનો કેટલો પ્રભાવ જોવા મળે છે. સત્તાધારી પક્ષોના આ ભાષાકીય અભિયાને હાલમાં મુંબઈના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
