<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

મુંબઈની તાજ અને ટ્રાઈડન્‍ટ હોટલને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી

ધમકી ભર્યો ફોન કરનારે બંને હોટલોમાં બ્‍લાસ્‍ટ કરવાની ધમકી આપી હતી, જેના પગલે સુરક્ષા એજન્‍સીઓએ તાત્‍કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મુંબઇ,તા.૭:  મુંબઈની શાન ગણાતી તાજ હોટલ અને ટ્રાઈડન્‍ટ હોટલને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ધમકી ભર્યો ફોલ કરનારે બંને હોટલોમાં બ્‍લાસ્‍ટ કરવાની ધમકી આપી હતી, જેના પગલે સુરક્ષા એજન્‍સીઓએ તાત્‍કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશન ટ્રેસ કરીને સાયન વિસ્‍તારમાંથી એક શખ્‍સને ઝડપી પાડ્‍યો છે.

મુંબઈમાં બોમ્‍બની ધમકીની આશંકાએ ફરી એકવાર ખળભળાટ મચાવ્‍યો છે. મુંબઇની બે અતિ પ્રતિષ્ઠિત તાજ હોટલ અને ટ્રાઈડન્‍ટ હોટલને એક અજાણ્‍યા શખ્‍સ દ્વારા ધમકીભર્યો ફોન આવ્‍યો હતો. આ ફોન કોલમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે આ બંને સ્‍થળો પર ટૂંક સમયમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. ૨૬/૧૧ ના કાળા ઈતિહાસને ધ્‍યાને રાખીને મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓ જરા પણ જોખમ લેવા માંગતી ન હતી, તેથી તાત્‍કાલિક અસરથી બંને હોટલ પરિસરમાં કડક સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો અને હોટલના સ્‍ટાફ તેમજ મહેમાનોને સાવચેત કરી દેવામાં આવ્‍યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચ અને સ્‍થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્‍સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને માલૂમ પડ્‍યું કે આ ધમકીભર્યો કોલ મુંબઈના જ સાયન વિસ્‍તારમાંથી કરવામાં આવ્‍યો હતો. પોલીસે વિલંબ કર્યા વગર સાયન વિસ્‍તારમાં દરોડો પાડીને કોલ કરનાર વ્‍યક્‍તિને શોધી કાઢ્‍યો હતો અને તેને કસ્‍ટડીમાં લીધો હતો. આ વ્‍યક્‍તિની ઓળખ અને તેના ઈરાદાઓ અંગે હાલમાં સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ માત્ર એક અફવા ફેલાવવાનો 'હોક્‍સ કોલ' હતો કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે તે દીશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

(9:59 AM IST)