News of Tuesday, 26th May 2026
મુંબઈના વિશ્વપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનો કાયાકલ્પ થશે: યોજનાના પ્રથમ તબક્કાનું મુખ્યમંત્રી ફડણવીસે ભૂમિપૂજન કર્યું
પ્રોજેક્ટ હેઠળ માત્ર મંદિર જ નહીં, પરંતુ તેની આસપાસના રસ્તાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પાર્કિંગની સુવિધાઓને પણ આધુનિક રૂપ આપવામાં આવશે.

મુંબઈના પ્રભાધેવી સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનો હવે ભવ્ય કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યા અને સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરના આધુનિકીકરણ અને સુંદરીકરણ માટે એક વિશાળ વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મહત્વાકાંક્ષી પરિયોજનાના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું.
સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ હજારો અને તહેવારોમાં લાખો ભક્તો દર્શન માટે પહોંચે છે, જેના કારણે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન એક મોટો પડકાર બની ગયું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટીતંત્ર દ્વારા એક વ્યાપક પુનર્નિમાણ યોજના તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર આ નવા માસ્ટર પ્લાન અને ડિઝાઇનની તસવીરો પણ શેર કરી છે, જે મંદિરને વૈશ્વિક સ્વરૂપ આપશે.
આ વિકાસ યોજના અંતર્ગત મંદિર પરિસરમાં એક આધુનિક કોરિડોર બનાવવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ઓછા સમયમાં દર્શન કરી શકશે. ભક્તો માટે કતાર વ્યવસ્થા, વેઇટિંગ એરિયા અને હવામાનથી બચવા માટે ખાસ શેડ બનાવવામાં આવશે. આ સાથે જ સમગ્ર પરિસરમાં અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ અને હાઈટેક સુરક્ષા પ્રણાલી પણ વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટ હેઠળ માત્ર મંદિર જ નહીં, પરંતુ તેની આસપાસના રસ્તાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પાર્કિંગની સુવિધાઓને પણ આધુનિક રૂપ આપવામાં આવશે. ભૂમિપૂજનના આ ખાસ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકર અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભક્તોને આધ્યાત્મિકતાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓનો અનુભવ મળશે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
