News of Monday, 3rd August 2026
આયાતી કાર્ગો ક્લિયરન્સમાં મુંદ્રા અદાણી પોર્ટ દેશના તમામ બંદરો કરતાં આગળ
આયાતી કાર્ગોનો સરેરાશ રિલીઝ સમય 2025ના 55 કલાક 34 મિનિટથી ઘટીને 2026માં માત્ર 32 કલાક 27 મિનિટ થયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : દેશના અગ્રણી સમુદ્રી બંદરો, એર કાર્ગો કોમ્પ્લેક્સ, રેલવે ઇનલૅન્ડ કન્ટેનર ડેપો (ICD) અને ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સમાં કાર્ગો ક્લિયરન્સની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરતીઅભ્યાસ રિપોર્ટમાં મુન્દ્રા બંદરે આયાતી કાર્ગોની સૌથી ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ હાંસલ કરી હોવાનું નોંધાયું છે. NTRS 2026 અનુસાર, મુન્દ્રા બંદરે આયાતી કાર્ગો માટેનો સરેરાશ રિલીઝ સમય (Average Release Time - ART) વર્ષ 2025ના 55 કલાક 34 મિનિટમાંથી ઘટી વર્ષ 2026માં માત્ર 32 કલાક 27 મિનિટ કર્યો છે. એટલે કે એક વર્ષમાં 41.6 ટકા જેટલો નોંધપાત્ર સુધારો નોંધાયો છે. આ સિદ્ધિ સાથે મુન્દ્રા બંદરે નેશનલ ટ્રેડ ફેસિલિટેશન એક્શન પ્લાન (NTFAP) દ્વારા નક્કી કરાયેલા 48 કલાકની અંદર કસ્ટમ્સ ક્લિયરન્સના લક્ષ્યાંકને સરળતાથી હાંસલ કર્યો છે અને દેશના તમામ અગ્રણી બંદરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રક્ષિત શાહ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે જણાવ્યું હતું કે, “કસ્ટમ્સ કાર્ગો ક્લિયરન્સમાં ભારતના સૌથી ઝડપી અગ્રણી પોર્ટ તરીકેની ઓળખ પ્રાપ્ત કરવી અદાણી મુંદ્રા પોર્ટ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ મુન્દ્રા કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ પાર્ટનર્સ અને સમગ્ર ટ્રેડ ઇકોસિસ્ટમ વચ્ચેના મજબૂત સંકલનનું પરિણામ છે. આ સિદ્ધિ માટે અમે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC), મુન્દ્રા કસ્ટમ્સ કમિશનર શ્રી નીતિન સૈનીના નેતૃત્વ હેઠળની સમગ્ર ટીમ તેમજ અમારા તમામ હિતધારકોના સતત સહયોગ અને ભાગીદારી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ."
મુન્દ્રા પોર્ટ ટેક્નોલોજી આધારિત અને ગ્રાહકકેન્દ્રિત પહેલો દ્વારા વેપાર સુગમ બનાવવામાં પણ દેશ માટે એક બેન્ચમાર્ક બની રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી (DPD) વ્યવસ્થા હેઠળ મુન્દ્રા પોર્ટ પર આયાતી માલનો સરેરાશ ક્લિયરન્સ સમય માત્ર 24 કલાક 30 મિનિટ રહ્યો હતો, જ્યારે કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (CFS) મારફતે આવતાં કાર્ગો માટે આ સમય 34 કલાક 52 મિનિટ રહ્યો હતો. DPD મોડેલના કારણે કાર્ગોનો રોકાણ સમય (Dwell Time) ઘટ્યો છે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે અને પોર્ટ પરથી માલની ઝડપી બહારગમન સુનિશ્ચિત થઈ છે.
અગ્રણી સમુદ્રી બંદરોમાં મુન્દ્રાનું સરેરાશ કાર્ગો ક્લિયરન્સ સમય 32 કલાક 27 મિનિટ રહ્યો છે, જ્યારે મુંબઈના નવા શેવા પોર્ટમાં 65 કલાક 52 મિનિટ, ચેન્નાઈ પોર્ટમાં 85 કલાક 59 મિનિટ અને કોલકાતા પોર્ટમાં 155 કલાક 9 મિનિટનો સમય નોંધાયો હતો.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
