તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
બંગાળની ખાડીમાં 'મુરાસુ' ચક્રવાત વધુ શક્તિશાળી બન્યું :આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે :ભારે વરસાદ અને 120 કી,મી, સુધી પવનની ચેતવણી
દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર હવે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. ‘મુરાસુ’ નામનું આ ચક્રવાત ધીમે ધીમે વધુ શક્તિશાળી બની રહ્યું છે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આ ચક્રવાત 2 નવેમ્બરની મધ્યરાત્રિથી 3 નવેમ્બરની સવાર દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. સંભવિત અસરને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગે 1 નવેમ્બર, 2026ના રોજ સવારે 11:30 વાગ્યે પુષ્ટિ કરી હતી કે દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ‘મુરાસુ’ નામનું આ ચક્રવાત પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી સમયમાં તેની તીવ્રતામાં વધુ વધારો થઈ શકે છે અને તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
અનુમાન છે કે 2 નવેમ્બરની મધ્યરાત્રિથી 3 નવેમ્બરની સવાર વચ્ચે આ ચક્રવાત દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે નેલ્લોર અને નરસપુર વચ્ચે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પવનના ઝાપટાં 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતા ચક્રવાતોને નામ આપવા માટે વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને એશિયા તથા પેસિફિક માટેના આર્થિક અને સામાજિક આયોગ (ESCAP) હેઠળની સમિતિ દ્વારા નામોની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીમાં 13 દેશો દ્વારા સૂચવવામાં આવેલા નામોનો સમાવેશ થાય છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
