<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ધારના વિવાદિત ભોજશાળા સંકુલ નજીક જ મુસ્લિમ સમુદાય પઢી શકશે શુક્રવારની નમાજ: સુપ્રીમ કોર્ટે સ્વીકારી માંગ, દરગાહ પાસેની જમીન ફાળવી!

વિવાદિત સ્મારકથી 1.3 કિમી દૂર નમાઝ માટે જગ્યા આપવાના વહીવટીતંત્રના આદેશને શ્રદ્ધાળુઓએ આપ્યો હતો પડકાર: CJI ની બેન્ચે ઠાસરા નંબર 596 વાળી જમીન પર બપોરે 1 થી 3 વાગ્યા સુધી આપી પરવાનગી

નવી દિલ્હી, તા.30: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત 'ભોજશાળા સંકુલ' મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયની માંગણીને ગ્રાહ્ય રાખતા ભોજશાળા સંકુલને અડીને આવેલી દરગાહની જમીન પર શુક્રવારની નમાજ અદા કરવાની અસ્થાયી પરવાનગી આપી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી પીઠે મધ્ય પ્રદેશ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રને કોર્ટના આદેશનું પાલન કરવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાય માટે જે જમીન ફાળવી છે તે ઠાસરા નંબર 596 તરીકે ઓળખાય છે, જે વિવાદિત ભોજશાળા સંકુલ નજીક આવેલી દરગાહની જમીન છે. આ અગાઉ સ્થાનિક વહીવટીતંત્રે નમાઝ માટે જે જગ્યા ફાળવી હતી તે વિવાદિત ધાર્મિક સ્થળથી લગભગ 1.3 કિલોમીટર દૂર હતી, જેની સામે મુસ્લિમ પક્ષે વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વિરોધ નોંધાવ્યો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આટલી દૂર મુસાફરી કરીને જવું શ્રદ્ધાળુઓ માટે અયોગ્ય અને સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોનું ઉલ્લંઘન છે.
કેસની સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા સાઇટ પ્લાનને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે ઠાસરા નંબર 596 વાળી જમીન પર જવાનો સ્વતંત્ર અને અલગ રસ્તો છે, તેમજ તે પરિસરની એકદમ નજીક હોવાથી નમાઝ માટે યોગ્ય સ્થળ છે. અદાલતે આદેશ આપ્યો છે કે કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી દર શુક્રવારે બપોરે 1.00 થી 3.00 વાગ્યા સુધી મુસ્લિમ સમુદાયના સભ્યો આ જમીન પર શાંતિપૂર્ણ રીતે નમાજ પઢી શકશે. કોર્ટના આ આદેશ બાદ સ્થાનિક વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

(5:36 PM IST)