<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગરબામાં મુસ્લિમ યુવકો એકલા નહીં, ઘરની બહેન-દીકરીઓને પણ સાથે લાવે: ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદનથી રાજકીય ગરમાવો

નવરાત્રીમાં ગરબા મહોત્સવ દરમિયાન મુસ્લિમ યુવકોના પ્રવેશ અંગે ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન; કોંગ્રેસ અને AIMIMએ કર્યો આકરો પ્રહાર

ભોપાલ : મધ્ય પ્રદેશના ભોપાલની હુઝૂર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માના એક નિવેદને નવરાત્રી પહેલા જ રાજકીય ક્ષેત્રે મોટો વિવાદ ઊભો કરી દીધો છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગરબા મહોત્સવમાં મુસ્લિમ યુવકોની હાજરી અંગે બોલતા તેમણે કહ્યું હતું કે, જો મુસ્લિમ યુવકો ગરબામાં આવવા માંગતા હોય તો તેમણે એકલા આવવાને બદલે પોતાના પરિવારની બહેનો, દીકરીઓ અને માતાઓને પણ સાથે લાવવી જોઈએ.

 

રામેશ્વર શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, સનાતન ધર્મમાં નવરાત્રી અને ગરબા એ માત્ર કોઈ મનોરંજનનું સાધન નથી પરંતુ જગતજનની મા જગદંબાની આરાધના અને પવિત્ર પૂજનનો પર્વ છે. જો મુસ્લિમ યુવકોને સનાતન ધર્મ કે આ ઉત્સવ પ્રત્યે આટલો જ પ્રેમ અને લાગણી હોય તો તેમણે પોતાના આખા પરિવાર સાથે આવીને દેવીની પૂજા અર્ચના કરવી જોઈએ, તિલક લગાવવું જોઈએ અને 'જય શ્રી રામ'ના નારા લગાવવા જોઈએ.

 

ધારાસભ્યના આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિપક્ષી પક્ષોએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે. ભોપાલ સેન્ટ્રલના કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે આ ટિપ્પણીને અત્યંત હલકી અને સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવનારી ગણાવી હતી. આ સાથે AIMIMના પ્રદેશ અધ્યક્ષ મોહસિન અલી ખાને પણ આ નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, આવા નિવેદનો દેશની એકતા અને બંધારણીય મૂલ્યો પર પ્રહાર સમાન છે.

(8:25 PM IST)