<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

મુથૂટ ફિનકોર્પ લિમિટેડના બોર્ડ દ્વારા ૪૦૦૦ કરોડ રૂપિયાના મેગા આઈપીઓ (IPO) અને શેર સ્પ્લિટના પ્રસ્તાવને લીલી ઝંડી અપાઈ

ચોથા ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં ૨૦૪ ટકાનો બમ્પર ઉછાળો નોંધાયો : બિઝનેસના વિસ્તરણ માટે ડિબેન્ચર્સ અને કોમર્શિયલ પેપર્સ દ્વારા પણ મોટું ભંડોળ એકત્ર કરાશે

કોચ્ચિ : ગોલ્ડ લોન ક્ષેત્રે દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) મુથૂટ પપ્પાચન ગ્રુપની ફ્લેગશિપ કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બિઝનેસના ભાવિ વિકાસ અને વિસ્તરણ માટે એક બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે મળેલી બોર્ડ મિટિંગમાં કંપની દ્વારા ૪,૦૦૦ કરોડ રૂપિયા સુધીના પ્રાઈમરી માર્કેટના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO) લાવવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણપણે ઈક્વિટી શેરના નવા ઈશ્યુ પર આધારિત રહેશે અને તેની રકમ બજારની સ્થિતિ તેમજ નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે.

 

આ મિટિંગમાં રોકાણકારો માટે અન્ય એક મહત્વના નિર્ણય અંતર્ગત બોર્ડ દ્વારા શેર સ્પ્લિટ એટલે કે સ્ટોક વિભાજનને પણ મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક એક ઈક્વિટી શેરને ૨ રૂપિયાની ફેસ વેલ્યુવાળા ૫ ઈક્વિટી શેરમાં સબ-ડિવાઈડ (વિભાજિત) કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ ૧ જુલાઈ ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૭ દરમિયાન પબ્લિક ઈશ્યુ દ્વારા ૪,૦૦૦ કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જારી કરવાની અને પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા પણ વધારાના ૪,૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે.

 

આ આક્રમક ફંડરેઝિંગ પ્લાનની સાથે કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરના (Q4 FY26) અત્યંત મજબૂત નાણાકીય પરિણામો પણ જાહેર કર્યા છે. મુથૂટ ફિનકોર્પનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૨૦૪ ટકાના જંગી ઉછાળા સાથે ૫૮૪ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં ૧૯૨ કરોડ રૂપિયા હતો. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે કંપનીનો ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને ૧,૬૪૦.૨૧ કરોડ રૂપિયા નોંધાયો છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૭૮૭ કરોડ રૂપિયા હતો.

 

કંપનીના સત્તાવાર રિપોર્ટ અનુસાર, માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં મુથૂટ ફિનકોર્પની કુલ અસ્કયામતો (AUM) ૫૬,૧૮૫.૧૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જ્યારે કંપનીની વાર્ષિક કુલ આવક ૮,૩૬૪.૨૮ કરોડ રૂપિયા નોંધાઈ છે. કંપનીએ શોર્ટ ટર્મ ફંડિંગ માટે કોમર્શિયલ પેપર્સ દ્વારા ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની કુલ મર્યાદા સાથે ભંડોળ એકત્ર કરવાની સત્તા પણ કમિટીને આપી છે. મજબૂત નફાકારકતા અને આઈપીઓની આ જાહેરાતના કારણે આગામી દિવસોમાં નાણાકીય બજારમાં મુથૂટ ફિનકોર્પ ભારે આકર્ષણનું કેન્દ્ર બને તેવી પૂરી સંભાવના છે.

(10:34 PM IST)