તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મારો ફોન ટેપ થઈ રહ્યો છે, તેમાં તમામ પુરાવા છે
રાહુલ ગાંધીનો PM મોદી પર ગંભીર આરોપઃ ફરી ફેંકયો આમને-સામને જાહેર ડિબેટનો પડકાર

નવી દિલ્હી, તા.૧૩: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર યોજાયેલા આસ્ક મી સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમનો ફોન ટેપ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ આ સેશનમાં વડાપ્રધાન મોદીને ફરી એકવાર આમને-સામને જાહેર ડિબેટ કરવાનો પડકાર ફેંકતા દાવો કર્યો હતો કે જો બંને નેતાઓ વચ્ચે સીધી ચર્ચા થશે, તો તે પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર નહીં રહી શકે. રાહુલ ગાંધીના નિવેદન મુજબ, તેમના તમામ આરોપોના નક્કર પુરાવા તેમના મોબાઈલ ફોનમાં સુરક્ષિત છે અને વડાપ્રધાન દ્વારા તેમનો ફોન ટેપ કરાવવામાં આવી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે દેશ વિરોધી પ્રવળત્તિઓ અને વિદેશી તાકાતોના ઈશારે કામ કરનારા લોકો અંગેની અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ તથા પુરાવા છે. તેમણે દાવો કર્યો હતો કે જો વન-ઓન-વન ચર્ચા થાય તો દેશ સમક્ષ એ સાબિત થઈ જશે કે કોણ વિદેશી તાકાતોના ઈશારે કામ કરી રહ્યું છે અને કયારથી આવી પ્રવળત્તિઓમાં સામેલ છે. આ દરમિયાન એક યુઝરે જ્યારે સવાલ પૂછયો કે ભાજપ સંસદમાં ચર્ચા માટે તૈયાર છે ત્યારે તેઓ જાહેર ડિબેટ પર કેમ ભાર મૂકી રહ્યા છે, તેના જવાબમાં રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે લોકસભામાં તેમને બોલવા દેવામાં આવતા નથી અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે.
રાહુલ ગાંધીએ જાહેર ચર્ચાનું સ્વરૂપ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે તેઓ લાંબા ભાષણોવાળી પરંપરાગત ચર્ચા નથી ઈચ્છતા, પરંતુ એક એવી સીધી વાતચીત ઈચ્છે છે જેમાં વડાપ્રધાન મોદી એક તરફ બેસે અને તેઓ બીજી તરફ બેસીને એકબીજા પર સીધા સવાલ-જવાબ અને આરોપો લગાવી શકે. તેમણે ત્યાં સુધી તૈયારી દર્શાવી હતી કે જો આ સીધી ચર્ચા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અથવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને પણ જજ બનાવવામાં આવે, તો પણ તેમને કોઈ જ વાંધો રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આ અગાઉ પણ અનેક જાહેર મંચો પરથી વડાપ્રધાન મોદીને ખુલ્લી ચર્ચા માટે આમંત્રણ અને પડકાર આપી ચૂકયા છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
