હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારમાં લશ્કરી ચોકી નજીક રહસ્યમય બ્લાસ્ટ: એક નાગરિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત, અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગુલમર્ગ પોલીસ સ્ટેશન હેઠળ આવતી લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આશા પોસ્ટ પાસે જૂનો જીવતો બોમ્બ/શેલ હાથમાં લેતા જ પ્રચંડ ધડાકો થયો; સમગ્ર પંથકમાં ભયનો માહોલ, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગ નજીક આવેલા લાઇન ઓફ કંટ્રોલ (LoC)ના સરહદી વિસ્તારમાં શનિવારે એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. ગુલમર્ગ પોલીસ સ્ટેશનની હદમાં આવતી સરહદી સુરક્ષા ચોકી 'આશા પોસ્ટ' નજીક સુમલી વાલી ધોક વિસ્તારમાં એક શક્તિશાળી રહસ્યમય વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ ધડાકામાં એક સ્થાનિક નાગરિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, બારામુલ્લા જિલ્લાના ચંદૂસા હેઠળના ગાલીબાલ વિસ્તારનો વતની ઝબીર અહમદ બાજદ (પિતાનું નામ: મોહમ્મદ રફીક બાજદ) નામના યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે મૃતક યુવકે જમીન પર પડેલા કોઈ જૂના લશ્કરી શેલ અથવા વિસ્ફોટક ઉપકરણને અજાણતામાં હાથમાં લીધું હતું અથવા તેની સાથે છેડછાડ કરી હતી. તે જ ક્ષણે શેલ પ્રચંડ અવાજ સાથે ફાટ્યો હતો, જેના કારણે ઝબીર ગંભીર રીતે ચિથરેચિથરા થઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ધડાકાની ઝપેટમાં આવી જતાં નજીકમાં ઉભેલા અન્ય ચાર વ્યક્તિઓ પણ લોહીલુહાણ થયા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. સુરક્ષા દળો દ્વારા તમામ ચારેય ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તો પૈકી અમુકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની મદદ લેવામાં આવી રહી છે. આ રહસ્યમય વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ, વિસ્ફોટક કયા પ્રકારનો હતો અને તે સરહદી વિસ્તારમાં ક્યાંથી આવ્યો તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સરહદી ગામોના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
