તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
૬.૬ કરોડ વર્ષો પહેલા ડાયનોસોરનો સર્વનાશ કરનાર રહસ્યમય આકાશી પિંડની ઓળખ થઈ: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો, સૌરમંડળના સૌથી દુર્લભ ઉલ્કાપિંડે મચાવી હતી તબાહી!
આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે નિકલ આઈસોટોપ્સનું પૃથક્કરણ કરીને ખોલ્યું રહસ્ય: સલ્ફર નહીં પણ વાતાવરણમાં છવાયેલી ઝીણી ધૂળ અને કાટમાળ બન્યા હતા સામૂહિક વિનાશનું મુખ્ય કારણ

નવી દિલ્હી : અબજો વર્ષો જૂના પૃથ્વીના ઇતિહાસમાં ડાયનોસોર પ્રજાતિઓનો કઈ રીતે સંપૂર્ણ સફાયો થયો? તે સવાલ હંમેશાં માનવજાત માટે ભારે કૂતુહલનો વિષય રહ્યો છે. હવે વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે ૬૬ મિલિયન (૬.૬ કરોડ) વર્ષ પહેલાં પૃથ્વી સાથે અથડાઈને ૭૫ ટકા જીવસૃષ્ટિનો નાશ કરનારા આકાશી પિંડ (ઉલ્કા) ની ચોક્કસ ઓળખ કરી લીધી છે. 'સાયન્સ એડવાન્સિસ' જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ મુજબ, પૃથ્વી પર મહાવિનાશ સર્જનાર તે પિંડ એક અત્યંત દુર્લભ 'CO કોન્ડ્રાઈટ' (CO Chondrite) ઉલ્કાપિંડ હતો, જે આપણા સૌરમંડળના સૌથી પ્રાચીન અને અતિ દુર્લભ અવકાશી ટુકડાઓમાંથી એક ગણાય છે.
યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, પેરિસ, બ્રસેલ્સ અને વિયેતનામના વૈજ્ઞાનિકોએ ક્રેટેસિયસ-પેલેઓજીન અસરથી બચેલા માટીના સ્તરમાં રહેલા 'નિકલ આઈસોટોપ્સ'નું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીને આ આશ્ચર્યજનક સફળતા મેળવી છે.
૧૦ કિમી પહોળા એસ્ટરોઈડે સર્જી હતી મહાપ્રલય જેવી સ્થિતિ
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ૧૦ કિલોમીટર પહોળો આ રાક્ષસી એસ્ટરોઈડ પૃથ્વીના મેક્સિકો સ્થિત યુકાટન દ્વીપકલ્પ પર ત્રાટક્યો હતો. તેનાથી બનેલા વિશાળ 'ચિકસુલબ ક્રેટર' (ખાડા) અને અથડામણની પ્રચંડ ક્ષમતાના કારણે પૃથ્વી પર વિનાશક ભૂકંપ, સુનામી અને જંગલોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. વાતાવરણમાં ધૂળ, ઝીણા કણો અને વાયુઓ એટલી મોટી માત્રામાં ફેંકાયા હતા કે વર્ષો સુધી સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્યો ન હતો.
સૌરમંડળના છેવાડાના ભાગમાંથી આવ્યો હતો આ 'કાળ'
નવા સંશોધન અનુસાર, આ દુર્લભ CO કોન્ડ્રાઈટ ઉલ્કાપિંડ પૃથ્વી પર મળતી તમામ ઉલ્કાઓમાં માત્ર ૫ ટકા જ જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિષધર આકાશી પિંડ ગુરુ ગ્રહની નજીક આવેલા બાહ્ય એસ્ટરોઈડ બેલ્ટમાંથી અથવા તો સૌરમંડળની સરહદો પર સ્થિત કાટમાળના ક્ષેત્રમાંથી પૃથ્વી તરફ ફેંકાયો હતો.
સલ્ફર નહીં પરંતુ કાટમાળની ધૂળ જ મુખ્ય 'ગુનેગાર' હતી
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ઉલ્કાપિંડમાંથી નીકળેલા સલ્ફર ગેસના કારણે વાતાવરણ ઝેરી બન્યું હતું, પરંતુ આ સંશોધને જૂની માન્યતા બદલી નાખી છે. CO કોન્ડ્રાઈટ્સમાં સલ્ફર, કાર્બન, પાણી અને ઝીંકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે વિનાશ માટે સલ્ફર નહીં, પરંતુ અથડામણને કારણે અંતરીક્ષ અને વાતાવરણમાં ફેલાયેલી રાક્ષસી ધૂળ અને કાટમાળ જવાબદાર હતા, જેણે સૂર્યપ્રકાશ રોકીને 'વિન્ટર ઈફેક્ટ' સર્જી હતી અને પરિણામે ડાયનોસોર સહિતની તમામ મોટી પ્રજાતિઓ ભૂખમરા અને ઠંડીથી વિલુપ્ત થઈ ગઈ હતી.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
